પદ્ધર નજીકની ઇન્ડસ્ટ્રીઝમાં ચોર ટોળકીએ કરી 1.47 લાખના માલની તસ્કરી
પદ્ધરથી ત્રણ કિ.મી. નજીક અલ્ટ્રીટ ઇન્ડસ્ટ્રીઝમાં અડધી રાત્રે આઠથી નવ જણની ચોર ટોળકીએ ખુલ્લા પ્લાન્ટમાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ્લે રૂા. 1,47,700ના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધાઇ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં અમરસિંહ વિક્રમસિંહ રાવલજીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.21-2ના સવારના આશરે નવ વાગ્યાના અરશામાં નોકરી પર પહોચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, પ્લાન્ટમાં કોઈક માણસો આવેલ છે અને સામાન વેરવિખેર પડેલ છે. જેથી આ અંગે તપાસ કરવા રાત્રિના સમયના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં માલ સ્ટોરેજમાં અમુક શખ્સો મોઢા પર કાપડ બાંધી 21-2ના રાત્રિના એક વાગ્યાના અરસામાં પ્રવેશ કરતાં અને અલગ-અલગ સામાન લઈને જતાં નજરે પડ્યા હતા. ચોર પ્લાન્ટના ફ્રેંસિંગ કટ કરી અંદર પ્રવેશી તે જ્ગ્યાથી સામાન બહાર કાઢી જતાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આ ચોર 20-2ના પણ કંપનીની પાછળના ભાગેથી આડશ માટે મુકેલ લોખંડનો ગેટ લઈ જતાં નજરે પડ્યા હતા. . 555 કિલોનો લોખંડનો સામાન તેમજ સ્ટીલનો સામાન જેની કિં. રૂા. 7750 તથા અન્ય સામાન જેની કિં. રૂા. 1,18,000 એમ કુલ્લ રૂા. 1,47,700ના સામાનની ચોરી કરી લઇ ગયા હતા. આ શખ્સો આશરે વીસથી પાંત્રીસ વર્ષની ઉમરના હોવાનું અને કુલ આઠ થી નવ માણસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરી તા.20-2ના તથા 21-2ના બંને દિવસોએ રાત્રિના આશરે એક વાગ્યાથી ચાર વાગ્યાના સમય ગાળા દરમિયાન થઈ હતી. પોલીસે ચોર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.