ભુજના પોલીસ કર્મચારી સાથે 2.16 લાખની ઓનલાઈન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ
પોલીસ કર્મચારીએ સેમસંગ ફાયનાન્સમાંથી મોબાઈલ એપ દ્વારા લીધેલી લોનના પાંચ હપ્તા ભર્યા પછી મકાન માટે અન્ય લોન લેવાની હોઈ સેમસંગવાળી લોન કલીયર કરવા જતાં ઓનલાઈન રૂા. 2.16 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવતા ઓનલાઈન ઠગાઇ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે મૂળ સુરેન્દ્રનગર તરફના અને એક વર્ષથી પોલીસ હેડકવાર્ટર્સ ખાતે નોકરી કરતા પ્રેમજીભાઈ છગનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમણે ગત જુલાઈમાં સેમસંગ ફાયનાન્સમાંથી 1,01,100ની લીધેલી લોન કલીયર કરવા ઓનલાઈન કરી ટોલ નંબર મેળવ્યા પછી પૂછપરછ કરી હતી, જેમાં સામેવાળાએ 95, 656 રૂપિયા ભરવાનું કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ગૂગલ-પેથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, બાદમાં સામેવાળાએ તમારી લોન કલીયર થતી નથી તેવું જણાવી વારંવાર અલગ-અલગ કુલ્લે રૂા. 2,16,656 રકમ ટ્રાન્સફર કરાવી હતી. આમ છતાં લોન કલીયર ન થતાં બધાં નાણા ગુમાવી દેતા ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવાઈ છે.