અબડાસાના હરીપરમાં નજીવી બાબતે 2 લોકો પર છરી વડે હુમલો કરાયો

અબડાસાના હરીપરમાં ગાળો બોલવાની ના પડતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરી 2 લોકોને ઇજા પહોચાડી હોવાની ફરિયાદ નલિયા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં દેવજી ભગવાનજી બ્રહ્મભટ્ટે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.21-1ના બપોરના ફરિયાદીનો પાડોશી ઈશ્વર વિરજી બ્રહ્મભટ્ટ ફરિયાદીના ઘરે આવેલ અને કહેલ કે, તારા મોટા બાપુ સ્વરૂપારામ સુજારામ બ્રહ્મભટ્ટની વાડીએ મટનનું શાક બનાવી સાંજના જમવાનું છે. જેથી ફરિયાદી આરોપી ઈશ્વર સાથે સાડા-ચારેક વાગ્યે વાડીએ ગયેલ હતા. તે સમયે વાતચીત દરમિયાન ઈશ્વર ફરિયાદીના મોટા બાપુના દીકરા જાલજી સ્વરૂપારામ બ્રહ્મભટ્ટને કોઈ કારણોસર ગાળો બોલવા લાગેલ. જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પડતાં ઈશ્વર તું મને કોણ કહેવા વાળો છે કહી ફરિયાદીને ગાળો બોલવા માંડ્યો. જેથી ફરિયાદીએ ના પડતાં આરોપી ઈશ્વર ઉશ્કેરાઈ જઈ ફેટમાં રહેલ છરી કાઢી ફરિયાદીના શરીરે કમરના પાછળના ભાગે તથા ડાબા પગની સાથળના ભાગે , જમણા હાથના ખભાના ભાગે, છાતીના ભાગે તથા માથાના ભાગે તેમજ અંગૂઠાના ઉપરના ભાગે છરી વડે ઇજાઓ પહોચાડી હતી. જેથી ફરિયાદીએ રાડારાડ કરતાં બાજુમાં વાડીમાં કામ કરી રહેલા તેમના મોટા બાપુ આવી જઈ વચ્ચે છોડાવવા પડતાં આરોપી ઈશ્વરે તેમને પણ પેટના ભાગે છરી વડે ગંભીર ઇજા પહોચાડી નાસી ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નલિયા સરકારી હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદીના મોટા બાપુને પેટના ભાગે ગંભીર ઇજા હોઈ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.