ખાવડાથી ભુજ આવતી મિની લક્ઝરી બસને ડમ્પરે ઠોકર મારતાં 18 ઘાયલ
આજે સવારે ખાવડાથી ભુજ આવતી ખાનગી મિની લકઝરી બસને પાછળથી આવતા ડમ્પરે ઠોકર મારતા બન્ને વાહન પલટી ખાઈ’ ગયા હતા. આ અકસ્માતમાં 18 જેટલા લોકોને નાની-મોટી ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી એમએલસીની વિગતો મુજબ આજે સવારે ખાવડાથી ખાનગી મિની લકઝરી બસ નં. જી. જે. 36 ટી 8163 ભુજ તરફ આવી રહી હતી ત્યારે અકલી પાટિયા પાસે પાછળથી પૂરપાટ આવતા મીઠાથી ભરેલા ડમ્પર નં. જી.જે. 12 બીવી 6958 ટક્કર મારતા બસ અને ડમ્પર બન્ને પલટી મારી ગયા હતા. આ અકસ્માતના પગલે બસમાં સવાર ઘાયલ 18 પ્રવાસીઓને પ્રથમ ખાવડા અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, આ અકસ્માતમાં ઘાયલોને સામાન્ય નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઘાયલોમાં ભીલાલ સુલેમાન, રૂકસાના ગફુર, મુસ્તાક જુણસ, સોકત અલી, દોસ્ત અલી, નેહાજ મહમદ, ફાતમાબાઈ, અભેરાજ, ભચલ અબ્દુલ સતાર, અલીમામદ સાલે, લક્ષ્મણ ભીમા, આમદ અબ્દુલસત્તાર, દિલેરસિંગ, સોનબાઈ નારણ, માનબાઈ વેલા, મહેશ પચાણ કોલી, તવાબ ઈસા સમા, ગફુર દાઉદ સમા અને સાયેબ દેસર સુમરાનો સમાવેશ થાય છે.