વરસામેડીમાં 5 શખ્સોએ મારામારી કરતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે ધુવગીરી ઉર્ફે પ્રિન્સગિરી નરેન્દ્રગીરી ગોસ્વામીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ તા.13-3ના રાત્રિના આશરે અગિયારેક વાગ્યાના અરસામાં મિત્ર અરબાઝ શાહ તથા રાહુલ ચૌહાણ સાથે પોતાની માલીકીની GJ-12-CP-1082 કાર દ્વારા અંબાજી સોસાયટી 01 વરસામેડી ખાતે લેબરોના રૂમ પર જઈ રહ્યા હતા. ત્યારે ગાડી રાહુલ ચલાવી રહ્યો હતો. સોસાયટીના ગેટ પાસે પહોચ્યા ત્યારે સામેથી આવતી એક્ટિવા પર મેહુલ બારોટ તથા નિખિલ બારોટ તેમજ હેમત બારોટ એમ 3 લોકો સવાર હતા. જે એક્ટિવા ગાડી સાથે અથડાતાં રાહુલે તેઓને એક્ટિવા શાંતિથી ચલાવાનું કહેતા તેઓ ત્રણેય એક્ટિવાથી નીચે ઉતરી ગાડી પાસે આવી રાહુલ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ રાહુલને ઝગડો ન કરવા જણાવી ગાડી સોસાયટીમાં જવા દીધેલ ત્યાં થોડે આગળ જતાં ગાડીના પાછળના કાચ પર એક પથ્થર વાગેલ જેથી ફરિયાદી તથા તેના મિત્રે નીચે ઉતરી જોતાં સામેથી મેહુલ બારોટ પોતાના હાથમાં છરી લઈને તો નિખિલ બારોટ અને હેમંત બારોટ લાકડાના ધોકા તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો ફરિયાદીની પાસે આવેલ અને ત્રણેયને ગાડો બોલવા લાગી નિખીલે ફરિયાદીને લાકડાનો ધોકો મારેલ તો મેહુલે છરી વડે રાહુલને પેટ અને પીઠના ભાગે ઇજાઓ પહોચાડી હતી. તેમજ બધા સાથે મળી અરબાઝને પણ માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ત્યાં કેશવનગર સોસાયટીમાં રહેતા રાહુલ સુરજમલ પટેલ તથા સોહિલ ગની આવી જતાં ફરિયાદીના છોડાવવા પડતાં તેમને પણ મૂઢમાર ઇજાઓ પહોચી હતી. ઉપરાંત નિખીલે તથા હેમંતે ધોકા વડે ફરિયાદીની કારના બંને કાચ તોડી નાખ્યા હતા. તે દરમિયાન આસપાસના લોકો એકત્ર થઈ જતાં મેહુલે ધમકી આપેલ કે, આજે તો સોસાયટીના માણસો આવી જતાં બચી ગયેલ છો હવે પછી અમારી સોસાયટીમાં આવશો તો જીવતા નહિ જવા દઈએ કહી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરિયાદી તથા તેના મિત્રોને સારવાર અર્થે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર ખસેડાયા હતા, જ્યારે રાહુલને વધુ ઇજાઓ પહોચી હોવાથી સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ ખસેડાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.