વંડી-તુણામાં રોડ બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે બબાલ

અંજાર તાલુકાના વંડી-તુણા મધ્યે રોડ બનાવવા મામલે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોચી હતી.
આ મારામારી અંગે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી હતી. વંડી-તુણામાં રહેતા ઇબ્રાહીમ ઉર્ફ ફકીરો આમદ છરેચાએ હાસમ આમદ સોઢા, સબિર આમદ સોઢા, આમદ સોઢા અને વસીમ આમદ સોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ફરિયાદી કાસમભાઇની ઓફિસે હતા, ત્યારે આરોપીઓ ત્યાં આવી નવા બનતા રોડ મુદ્દે બોલાચાલી કરી હતી, બાદમાં ફરિયાદી સર્વિસ સ્ટેશન પાસે ઊભો હતો ત્યારે ત્યાં આરોપીઓ આવી તેના ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને મોઢાના ભાગે 16 ટાંકા આવ્યા હતા.
સામા પક્ષે વસીમ આમદસોઢાએ ફકીર મામદ છરેચા, આમદ જાકુબ છરેચા, હુશેન યાકુબ છરેચા અને અકબર આમદ છરેચા વિરુદ્ધ નોંધાવતાં જણાવ્યુ હતું કે, કાસમભાઇની ઓફિસમાં બોલાચાલી બાદ ફરિયાદી અને તેના પિતા કાર લઇને નીકળી ગયા હતા, પછી સર્વિસ સ્ટેશન પાસે તેમને આરોપીઓએ અટકાવી લોખંડના પાઇપથી કારના કાચ તોડી ફરિયાદી તથા તેમના પિતા ઉપર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.