માધાપરમાં 3.42 લાખનાં એમ.ડી. ડ્રગ્સ સાથે એક બંગાળી મહિલા ઝડપાઈ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માધાપર નજીક હોટેલ પાસેથી નશીલા પદાર્થના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી પશ્ચિમ બંગાળની વતની અને માધાપર હાઈવે ઉપર રહેતી રેશમા ક્રિષ્ના મંડલના કબ્જામાંથી 34.2 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરાયું હતું. ગેરકાયદે એમ.ડી. ડ્રગ્સનું મહિલા વેંચાણ કરતી હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.એ ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવી મહિલાને ઝડપી હતી. ડમી ગ્રાહકે મહિલા પાસે એમ.ડી. ડ્રગ્સની માંગ કરી હતી. આરોપી મહિલાએ પાંચ હજાર એડવાન્સ માંગતા ડમી ગ્રાહકે એડવાન્સ રકમ આપી હતી. આરોપી મહિલાએ મુંબઈની ટિકિટ બુક કરાવી આપવા કહેતા ટિકિટ કઢાવી આપી હતી. આરોપી ક્રિષ્ના મંડોલ મુંબઈમાં બાંદ્રામાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદી પરત ભુજ આવી હતી. તેણીએ ડમી ગ્રાહકને માધાપર પાસે ડ્રગ્સની ડીલીવરી લેવા માટે ભવાની હોટેલ પાસે બોલાવ્યો હતો.
જેથી એસ.ઓ.જી.ની ટીમ પણ વોચમાં રહી મહિલાએ ડ્રગ્સ આપ્યું તેની સાથે જ પોલીસે તેને ઝડપી પાડી હતી. પર્સમાં તપાસ કરતા લોકવાળી કોથળીમાંથી 3.42 લાખની કીમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એન.ડી.પી.એસ. સહિતની કલમો તળે મહિલા ઉપરાંત મોબાઈલ નંબર ધારક મુંબઈના અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.