મીઠીરોહરથી મુન્દ્રા ટ્રેઈલરમાં મોકલાયેલા ચોખાની 625 બોરીઓની ચોરી
મીઠીરોહર ગોડાઉનમાંથી ચોખા ભરીને મુન્દ્રા ટેઈલર મારફતે મોકલાયેલા ચોખાની બોરીઓ 625 કિ.રૂ. 25,86,709ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ સામખિયારી પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે અગ્રવાલ કાર્ગો મુવર્સ નામની ટ્રાન્સપોર્ટનું સંચાલન સંભાળતા અંકુર પ્રદિપ બંસલે પોલીસે મથકે ટ્રેઈલર ચાલક આરોપી લલન રૂપન ચૌધરી(ઝારખંડ)ની વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર તા.28-4ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં મીઠીરોહર પ્લોટ નં.1 થી 5′ સર્વ નં.267 સફલ ટેક ઈન્ડ્રસ્ટીઝ પ્રા.લીના ગોડાઉનમાંથી ટ્રેઈલર’ નં.જીજે.12. એ.ઝેડ. 3422માં’ ચોખાની બોરીઓ 625 ભરીને મુન્દ્રા તરફ ખાલી કરવા મોકલવામાં આવી હતી. સવારે સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદીને ધ્રુવ કુમાર ઠક્કરે ચોખાનો જથ્થો પહોચ્યો ન હોવાની જાણ કરેલ હતી. જથ્થો નિયત સમયે ન પહોચતા ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતાં આરોપીને કોલ લાગ્યો ન હતો. ઉપરાંત ફરિયાદીએ આસપાસ તપાસ કરતાં આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ફરિયાદીને જાણ થયેલ કે, તેમનો ચોખા ભરી મોકલવામાં આવેલ ટ્રેલર અંજલી રોડ લાઈન્સના પેટ્રોલ પંપ તરફ ઉભેલ છે. જેથી ફરિયાદીએ ઉપરોક્ત સ્થળ પર જઈ તપાસ કરતાં રોડની સાઈડમાં ઉભેલ ટ્રેલર મળી આવ્યું હતું પરંતુ લોડ કરેલ ચોખાની બોરીઓ મળી આવી ન હતી. આ ઘટના તા.28-4ના સાંજના સાત વાગ્યાથી તા.29-4ના બાર વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.