ખનિજ વિભાગની ટીમ જોઇ ટ્રક ચાલકે ટ્રક ભગાવી અધવચ્ચે રેતી ઢોળી…ટ્રકને પકડતા ટુકડી છોડાવી ગઈ…

ગઇકાલે શહેરના નાગોર રોડ પર ખનિજ વિભાગની ટુકડીએ શંકાસ્પદ એક ટ્રકનો પીછો કરતાં ટ્રકચાલકે રેતી રસ્તામાં ખાલી કરી નાખી હતી અને 10થી 12 અજાણ્યા ઇસમોએ ખનિજ વિભાગની ટુકડી સાથે ધાકધમકી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ પેદા કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી.
બી-ડિવિઝન પોલીસ મથકે ભુજ ભૂસ્તરશાત્રની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતાના સુપરવાઇઝર શંકર હીરાભાઇ માતાએ જી.જે. 12 એ.યુ. 7916ના ચાલક તથા 10થી 12 અજાણ્યા ઇસમો સામે ફરજમાં રૂકાવટ અને માઇન્સ મિનરલ્સની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ અંગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ખનિજ વિભાગની ટુકડી તા. 29/4ના સવારે સરકારી વાહનથી ભુજ વિસ્તારમાં આકસ્મિક તપાસમાં હતી ત્યારે નાગોર ફાટક પાસેથી ટ્રક નં. જી.જે. 12 એ.યુ. 7916 આવતી દેખાતાં તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ટ્રકચાલકે ગાડી રોકવાના બદલે ભગાવી દીધી હતી . ખનિજ વિભાગની ટુકડીએ તેનો પીછો કરતાં ચાલકે જાહેર માર્ગ પર જ રેતી ઢોળી ટ્રક ખાલી કરી દીધી હતી. ખનિજ વિભાગની ટુકડી ટ્રક પાસે પહોંચતાં ચાલક અને અન્ય 10-12 ઇસમ ગેરકાયદેસર મંડળી રચી ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા તેમજ બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. બી-ડિવિઝન પોલીસ મથકે ગુજરાત ખનિજ નિયમ-3નો ભંગ કરી સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરવા બદલ 1.01 લાખની ખનિજ ચોરી તેમજ ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવાઈ હતી.
ઉપરાંત ફરિયાદમાં ઉમેરાયું હતું કે, અગાઉ તા. 12/2/23ના પદ્ધર પોલીસે નાડાપા –હબાય ત્રણ રસ્તે આ જ ટ્રકને ગેરકાયદે રીતે રેતી (ખનિજ) વહન કરતા ઝડપી હતી અને ખાણ ખનિજ કચેરીએ નોટિસ ફટકારતાં ટ્રક માલિકે દંડની રકમ ભરપાઇ કરી હતી.