વરસામેડીમાં મૈત્રી કરારથી રહેનાર મહિલાએ યુવાનને એસિડ પીવડાવી દીધું…
વરસામેડીમાં મૈત્રી કરારથી રહેનાર મહિલાએ પોતાના મિત્રને એસિડ પીવડાવી દેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
આદિપુરના એ-વન ફર્નિચર નજીક સાધુ વાસવાણી નિવાસમાં રહેનાર યુવાને અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવાનનાં બાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા પરંતુ લગ્નજીવનમાં સંતાન ન ધરાવનાર આ યુવાને છ એક મહિના પહેલા વરસામેડીની સીમમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલા સાથે મૈત્રી કરાર કર્યા બાદ તેઓ બંને સાથે રહેતા હતા.
ગત તા. 13-4નાં ફરિયાદી અને તેમના પત્ની ઘરે હાજર હતા ત્યારે મૈત્રી કરારથી રહેનાર મહિલાનો ફોન આ યુવાનને આવ્યો હતો. પેટમાં દુ:ખાવો થતો હોવાથી દવા લેવા જવાનું આ મહિલાએ યુવાનને જણાવ્યુ હતું. યુવાન વરસામેડી જઇ મહિલાને દવા લેવા લઇ ગયા હતા. જ્યાં આ મહિલાએ ફરિયાદીનો મોબાઇલ લઇ ઝઘડો કર્યો હતો અને તમે તમારી પત્નીને વધારે સમય આપો છો. રૂપિયા તેને વધારે આપો છો મોબાઇલમાં ફોટા પણ મારા કરતા તેના વધારે છે. તેમ કહી દવા લીધા વગર બંને વરસામેડી જતાં રહ્યાં હતા.
ત્યારબાદ મૈત્રી કરારથી રહેનાર મહિલા અને ફરિયાદી યુવાન રાત્રે સુતા હતા તે દરમિયાન મહિલા પ્લાસ્ટીકની બોટલ ફરિયાદી યુવાનના મોઢા પાસે લઇ આવી તેને એસિડ પીવડાવી દીધું હતું. ફરિયાદી યુવાનને બળતરા થતાં તેણે બોટલને હડસેલી હતી. તે સમય દરમિયાન બોટલનું એસિડ યુવાનના મોઢા પર ઢોળાયું હતું. યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ગંભીર ઘવાયેલ યુવાન તેર-ચૌદ દિવસ બાદ બોલી શકતા આ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.