મોટી ચિરઇની કાજુની કંપનીના કર્મીઓએ 60 લાખની ઉચાપત કરી જતાં 2 વિરુદ્ધ ફરિયાદ
ભચાઉ તાલુકાના મોટી ચિરઇમાં આવેલી કાજુની કંપનીના સેલ્સ મેનેજર એવા દંપતીએ કંપનીનો માલ બારોબાર વેચી તેમજ અન્ય કંપનીઓની ખોટી ક્રેડિટ નોટ બનાવી રૂા.60,58,629ની ઉચાપત કરતાં આ બંને વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. વરસામેડીમાં રહેતા સુકેશ બાલક્રિષ્ના અગ્રવાલએ પોતાની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતા રાજેશ બલરામ ગુપ્તા અને તેની પત્ની સુનેના રાજેશ ગુપ્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદીની મોટી ચિરઇમાં અગ્રવાલ એન્ડ કંપની નામની ફેક્ટરી આવેલી છે, જેમાં કાજુને પ્રોસેસ કરી જુદા જુદા વેપારીઓને વેચવામાં આવે છે. ફરિયાદીએ ઉઘરાણી માટે વેપારીઓને ફોન કરતાં આ દંપતીની આ કરતૂત બહાર આવી હતી. આ દંપતીએ વિશ્વાસ ઇન્ડસ્ટ્રીઝના નામે રૂા. 9,31,596, રિદ્ધિ એન્ટરપ્રાઇઝના નામે રૂા. 12,54,800, હરિકૃપા ટ્રેડર્સના નામે 3,78,600, કહાન ટ્રેડર્સના નામે રૂા. 11,57,004, મારુતિ કેશ્યુ પ્રોડકશનના નામે રૂા. 8,54,499, વિક્રમ ટ્રેડર્સના નામે રૂા. 4,08,001 એમ કુલ રૂા. 49,84,500ના બિલ બનાવી તેમને માલ પહોંચાડયો ન હતો. તેમજ જગદંબે ટ્રેડર્સ, કશ્યપ એન્ટરપ્રાઇઝ, સાન એન્ડ કંપની, વિશ્વાસ ઇન્ડસ્ટ્રીઝના નામે ક્રેડિટ નોટ દર્શાવી ખોટી રીતે રૂા. 10,74,129 ક્રેડિટ બતાવ્યા હતા અને તે રૂપિયાની ઉચાપત કરી હતી.
ફરિયાદીએ પોતાના અન્ય કર્મીઓની આ અંગે પૂછતાછ કરતાં આ દંપતીના કહેવાથી તેમણે પટેલ એન્ડ કંપની, પટેલ ટાયર્સ, એમ.આર.એફ. ટાયર્સ, વિક્રમ ટ્રેડર્સ, હરિકૃપા ટ્રેડર્સ, દીવા ફૂડસ, સ્વસ્તિક કરિયાણા ખાતે માલ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ દંપતિએ કાવતરું રચી કંપનીના 60,58,629 રૂપિયાની ઉચાપત કરી જતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.