ભુજના વૃદ્ધ સાથે રિફંડ જમા કરાવવાના નામે  12 હજારની ઓનલાઇન છેતરપિંડી કરાઈ

રિલાયન્સ જિઓ માર્ટનું રિફંડ જમા કરાવવાના બહાને  ભુજના વૃદ્ધ સાથે 12 હજારની ઓનલાઇન ઠગાઇ કરનાર વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે 60 વર્ષીય નિવૃત્ત જીવન જીવતા શશિકાંત ચૂનીલાલ શાહે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. 15/2ના તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી હિન્દીભાષી વ્યક્તિનો કોલ આવ્યો હતો અને રિલાયન્સ જિઓ માર્ટના રિફંડના નાણાં જમા કરાવવા છે તેવી લાલચ આપી હતી. તેમજ આરોપીએ ફરિયાદીને જણાવ્યુ હતું કે, તમારા બેંકના એકાઉન્ટ નંબર આપો, ત્યારબાદ ઓટીપી આવશે અને તે ઓટીપીથી નાણાં જમા થઇ જશે અને આ શખ્સે એક લિંક મોકલી ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ  તેના કહેવા મુજબ કરતાં ફરિયાદીના ખાતામાંથી રૂા. 12,000 ઓનલાઇન ઉપડી ગયા હતા. પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.