ગાંધીધામ રેલ્વે સ્ટેશન ટિકિટ રિઝર્વેશન કરાવવા ગયેલ યુવકનો મોબાઈલ ચોરાયો…

ગાંધીધામ રેલ્વે સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ બુક કરાવવા ગયેલ યુવકનો મોબાઈલ ચોરાઇ ગયો હોવાની ફરિયાદ ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ગાંધીધામ ભારતનગરમાં રહેતા સુરેશભાઈ પ્રેમજીભાઇ સથવારાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.3-5ના તેઓ ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કરાવવા માટે ગાંધીધામ રેલ્વે સ્ટેશન રિઝર્વેશન ઓફિસમાં આવ્યા હતા. તેઓએ ટિકિટ બુક કરાવતા સમયે પોતાનો સેમસંગ કંપનીનો 10,000ની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટરની બારી પાસે મુકેલ હતો. ફોર્મ ભર્યા બાદ મોબાઈલ ફોન જોતાં મોબાઈલ નજરે પડ્યો ન હતો. તેમજ આસપાસ તપાસ કરતાં મોબાઈલ અંગે કોઈ જાણકારી ન મળતા મોબાઈલ ચોરાઇ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.