રાપર તાલુકાનાં લોદ્રાણીમાં “મારે ભણવું છે…” કહી દીકરી ઘરમાંથી 19,000ની ચોરી કરી પલાયન

રાપર તાલુકાનાં લોદ્રાણી એકતાનગરમાં એક દીકરીએ પોતાના જ ઘરમાંથી રૂા. 19,000ની ચોરી કરી હોવાની ફરિયાદ બાલાસર પોલીસ ચોપડે નોંધાઈ છે.

લોદ્રાણીના એકતાનગરમાં રહેતા અને ખેતીકામ કરતા માનસંગ ભવન બારી (રાજપૂત)એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની પાંચ દીકરી, દીકરો અને પત્ની થોડા દિવસ પહેલાં પોતાના ઘરે હતા, રાત્રે જમી લીધા બાદ આ પરિવાર સૂઇ ગયો હતો. જ્યારે બીજા દિવસે સવારે જાગતાં ફરિયાદીની બીજા નંબરની દીકરી અનસૂયા હાજર ન હતી.  અને તેના ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં મને માફ કરી દેજો. મને ઘરે ફાવતું નથી મને ભણવું છે વગેરે લખાણ લખેલ હતું. આ બનાવ બનતા ફરિયાદી અને સંબંધીઓએ આ દીકરીની તપાસ હાથ ધરી હતી પરંતુ તે ક્યાય મળી આવી ન હતી. તેમજ તેમના ઘરમાં રાખેલ ટંકમાંથી રોકડ રૂા. 19,000 ગાયબ હોવાનું પણ સામે આવ્યું હતું.  ફરિયાદીએ આજે પોતાની દીકરી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.