નખત્રાણા નજીક ટ્રકે છકડાને અડફેટે લેતાં ઘડુલીની 7 વર્ષીય બાળકીનો પગ ગંભીરરીતે ચગદાયો

સાંજે નખત્રાણાથી પેસેન્જર ભરીને કોટડા (જ.) જતા છકડા રિક્ષાને ચતુર્થભુજ આંટી પાસે પાછળથી ટ્રકે અડફેટે લેતાં રિક્ષામાં બેઠેલી સાત વર્ષીય બાળકી રૂખસાર સબીર લુહાર (રહે. ઘડુલી તા. નખત્રાણા) બહાર પડી જતાં ટ્રકના ટાયર તળે તેનો પગ ચગદાઇ ગયો હતો.
આ અંગે નખત્રાણા પોલીસ મથકે અતુલ છકડાના ચાલક ઇબ્રાહીમ હુસેન મિયાજી (કાજી)એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજે તેમના . જી.જે.-12-એ.ઝેડ.-7152વાળા છકડામાં મુસાફરો ભરી તે કોટડા (જ.) આવી રહ્યા હતા ત્યારે ચતુર્થભુજ આંટીથી પહેલાં પાછળથી પૂરઝડપે આવતી ટ્રક નં. જી.જે.-12-એ.ટી.- 7362વાળીના ચાલકે પોતાના કબજામાં રહેલ ટ્રક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી છકડાને ટક્કર મારતાં છકડામાં બેઠેલી સાત વર્ષીય રૂખસાર સબીર લુહાર (રહે. ઘડુલી તા. નખત્રાણા) બહારના ભાગે પટકાઈ હતી. આ દરમિયાન બાળકીનો પગ પગ ટ્રકમાં આવી જતાં ચગદાઇ ગયો હતો. બાળકીને પગ, ઘૂંટણ તથા સાથળના ભાગે ઇજા પહોચતા સૌ પ્રથમ સારવાર અર્થે નખત્રાણા ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.