ગઢશીશા પાસે ફોરવ્હીલ ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
આ અકસ્માતની ઘટના ગઈ કાલે સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં માંડવી ગઢશીશા હાઇવે રોડ પર ત્રિશુળ ભેડીયાથી આગળ જતાં હાઇવે પર બનવા પામી હતી.
આ અંગે ગઢશીશા પોલીસ મથકે લખમશી ઉર્ફે લાખા પનુ જોગીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ગઈ કાલે બપોરના અરસામાં મુરજી જોગી તથા પ્રવીણ જોગી સાથે GJ-12-CL.9005 બાઇક દ્વારા જી.ઇ.કંપનીના પાવર સ્ટેશન પાછળ આવેલ તળાવમાં માછલીઓ પકડવા ગયા હતા. માછલીઓ પકડી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ગઢશીશા તરફથી આવી રહેલ GJ-02- BD-5086ઇકો કારના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઈકને અડફેટે લીધું હતું. જેથી ફરિયાદી તથા તેના સાહેદો રસ્તા પર ફંગોળાઈ જતાં ફેકચર તેમજ નાની મોટી ઈજાઓ પહોચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.