નાના ભાડિયામાં ચોરોનો આતંક : એક સાથે બે મંદિર તથા મકાનમાં કરી ચોરી
માંડવી તાલુકાના નાના ભાડિયા ગામમાં ચોરે જૈન દેરાસર, રાવલપીર દાદા તથા એક ઓરડીના તાળા તોડી રોકડ રૂા. 5500ની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ માંડવી મરીન પોલીસ મથકે નોંધાઈ છે.
નાના ભાડિયામાં જૈન દેરાસરમાં પૂજા કરતાં પૂજારી અમિત મૂળરાજ કેશવાણી આજે સવારે પૂજા કરવા આવતા ગર્ભગૃહના તાળા તુટેલા નજરે પડ્યા હતા. તેમણે આ દેરાસરમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપતા ઠાકરશી મુળજી રાંભિયા (જૈન)ને આ બનાવ અંગે જાણ કરી હતી. જેથી કારોબારી સભ્ય એવા ઠાકરશી મુળજી રાંભિયા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની જાણ થતાં ફરિયાદીએ ઘટના સ્થળે આવી જોતાં દેરાસરનું તાળું તુટેલું પડયું હતું. તેનો દરવાજો ખુલ્લો હતો તથા બીજા દરવાજાનો નકુચો તુટેલો નજરે પડ્યો હતો. ગર્ભગૃહમાં રાખેલી દાન પેટીનો તાળો તુટેલ હતો. આ દાનપેટીમાં આશરે રોકડ રૂા. 5000 હતા જેની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
ઉપરાંત દેરાસરની બાજુમાં આવેલા રાવલપીર દાદાના મંદિરના તાળા પણ તૂટ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂા. 500 ની ચોરી કરાઇ હતી. તેમજ ગામમાં આવેલ મીયા મહાદેવના મંદિર પાસે આવેલી ઓરડીના તાળા પણ તૂટ્યા હતા. પરંતુ તેમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ નહોતી. એક સાથે બે મંદિર અને એક ઓરડીના તાળા તૂટવાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ચોરીની ઘટના રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.