અંજારમાં મંદિરમાં દર્શન કરવા ગયેલાં દલિત યુવકને જાતિ અપમાનિત કરીને માર મરાયો.

અંજા૨ પોલીસ મથકે અનુસૂચિત જાતિના એક યુવકને મંદિરમાં દર્શન કરવા બદલ જાતિ અપમાનિત કરાઈ જોડાનો હાર પહેરાવવાની વાતો કરાઈ ચા૨ જણે માર મારી બહાર કાઢ્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.

અંજાર પોલીસ સ્ટેશનથી ઉત્તરે ૮ કિલોમીટર દૂર આવેલા ખારા પસવારિયા ગામે પશવાડી ખારમાં આ ઘટના ઘટી હતી. મજૂરી કરી પેટિયું ૨ળતો ૩૨ વર્ષિય જીતેન્દ્ર દેવજીભાઈ દાફડા નામનો યુવક  ગામના શંક૨ મંદિરે દર્શન કરવા ગયો હતો. તે સમયે મંદિર નજીક ગામના લોકો ગાયોનો ચારો ક્યાંથી અને કેટલામાં ખરીદવો તે અંગે ચર્ચા કરતાં હતા. જીતેન્દ્ર દર્શન કરીને ચર્ચા કરતાં લોકો પાસે ગયો ત્યારે રામજી કાનાભાઈ ડાંગર નામના શખ્સ તેની પાસે આવી બધા વચ્ચે કહ્યું હતું કે ‘તું (જાતિવાચક અપશબ્દ) છો, જેથી આ મંદિરે દર્શન ના થાય અને હવે આ મંદિર ધોવળાવવું પડશે’ ત્યારબાદ રાઘા સુજાભાઈ રબારીએ આવીને જીતેન્દ્રને એમ કહ્યું હતું કે ‘આ (જાતિવાચક અપશબ્દ)ની હિંમત બહુ વધી ગઈ છે, આને બહાર કાઢો’ તે પછી રામજી ડાંગર અને રાઘા રબારીએ જીતેન્દ્રના બે હાથ પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો હતો. તે સમયે શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહીર હાથમાં જોડાનો હાર લઈને આવેલો અને તેણે રામજી-રાઘાને ફરિયાદીને જોડાનો હાર  પહેરાવવા કહ્યું હતું. આ વખતે પ્રભુ સોમા રબારી નામના શખ્સ જીતેન્દ્રને પાછળના ભાગે લાત મારેલી અને રાઘા રબારીએ જીતેન્દ્રને કહેલું કે ‘રામજીના બૂટ ચાટ તો તને મૂકીશું નહીં તો તને જાનથી મારી નાખશું ત્યારબાદ રામજી, શામજી અને રાઘો જીતેન્દ્રને માર મારતાં મારતાં મંદિરના ગેટ બહાર લઈ ગયાં હતા. ઘટના બાદ જીતેન્દ્રએ જીવના જોખમે અંજાર પોલીસ મથકે જઈ અરજી આપી હતી. ત્યારબાદ જીતેન્દ્ર અંજાર પોલીસ મથકે ગયો ત્યારે રામજી ડાંગર અને રાઘા રબારીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસે રામજી કાનાભાઈ ડાંગર, રાઘા સુજાભાઈ રબારી, શામજી ઊર્ફે પપુ વેલાભાઈ આહીર અને પ્રભુ સોમાભાઈ રબારી વિરુધ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી. ચૌધરીને સોંપાઈ છે.              

 રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર