માનકુવામાં ત્રિપુટીએ વૃદ્ધને મારમારી 45 હજારની લૂંટ ચલાવી ફરાર
માનકુવામાં 70 વર્ષીય વૃદ્ધને ત્રિપુટીએ મારમારી રોકડા રૂપિયા, એક્ટિવા તથા મોબાઈલ ફોન ઝૂંટવી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગે માનકુવામાં રહેતા વિશ્રામભાઇ અબજીભાઇ ધોળુએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પુંજાબાપાની સમાધિની સેવા કરી રાત્રિના સમયે ત્યાં જ સુઈ રખોપો કરે છે. તેઓ રાત્રે પોતાની માલીકીની GJ-12-DK-9892 એક્ટિવા દ્વારા સમાધિએ સુવા ગયેલ હતા. રાત્રિના આશરે એકાદ વાગ્યાના અરસામાં સમાધિના મકાનમાં સુઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ બુકાનીધારી શખ્સો ઓરડીમાં ઘૂસી આવ્યા હતા. ઘૂસી આવેલ ત્રણ શખ્સોએ વૃદ્ધને ડરાવી ધમકાવી લાકડી વડે માર-મારી સેટી પલંગમાં મુકેલ પર્સમાથી રોકડ રૂપિયા 20,000 તથા મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ હતો. ઉપરાંત લુટારુઓ ફરિયાદીની 25 હજારની એક્ટિવા પણ હંકારી ગયા હતા. ફરિયાદીએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતાં આરોપીએ ફરિયાદીને ધક્કો મારી દરવાજાને સ્ટોપર મારી 45,500ની લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.