ગાંધીધામમાં ભત્રીજાએ મોટાબાપાને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી

ભારતનગર નજીક આવેલા વોર્ડ 9-એ વિસ્તારમાં રહેતા વૃધ્ધ મોટાબાપાને છરીના ઘા ઝીંકીને ભત્રીજાએ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ગાંધીધામ એ ડિવિજન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રિના 8:15 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.

હત્યા પાછળનું કારણ : રાપર તાલુકાના પલાંસવા ગામમાં મૃતકનું ખેતર આવેલું છે. જેમાં તહોમતદાર વાવણી કરતો હતો, પરંતુ આ વખતે વાવવાની ના પાડતા ભત્રીજાએ આવેશમાં આવી છરી વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મુળ રાપર તાલુકાના પલાંસવા ગામે, હાલે અહીંના વોર્ડ 9એમાં રહેતા ભીમજીભાઈ જેસીંગભાઈ પ્રજાપતિ (ઉ.વ.66) ઘરે હાજર હતા. તેમનો ભત્રીજો વિકાસ મોહન પ્રજાપતિ તેમના ઘરે ગયો હતો. તે દરમિયાન બંને વચ્ચે ખેતર વાવણી બાબતે મનદુખ થતાં ભત્રીજાએ છરી વડે વૃદ્ધ મોટા બાપુને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જીવલેણ હુમલામાં વૃધ્ધને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજયું  હતુ. વધુ એક હત્યાના બનાવને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી. મૃતકની લાશને પી.એમ. માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.