ગાંધીધામના અપના નગરમાં ફાયરિંગની અફવા ફેલાઇ… તોડફોડ, ધાક ધમકીની ફરિયાદ નોંધાઇ
એ ડિવિઝન પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંધીધામના અપનાનગરમાં જે ઘટનામાં ફાયરીંગની અફવા ફેલાઇ હતી તેમાં આ અમારું ઘર છે કહી ચાર જણાએ દરવાજો અને દિવાલ તોડફોડ કરી ધાક ધમકી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. અપનાનગર બી-126 માં રહેતા 59 વર્ષીય પ્રવિણસિંહ ચંદુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અપનાનગરનું બી-110 નંબરનું મકાન તેમના ભાઇ નરેન્દ્રસિહ ચંદુભા જાડેજાનું છે જેમનું નિધન થતાં આ મકાનનો કબજો તેમની પાસે છે. શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે તેમના ભાડુઆત બળવંતસિંહ ઝાલાએ ફોન કરી જાણ કરી હતી કે, કોઇ અજાણ્યા માણસો મકાન પર આવ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે.
આ જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા તો ટીસીએક્સ નોર્થમાં રહેતા નિલમબેન શંકલપુરા, તેમનો પુત્ર યશ શંકલપુરા સાથે સુંદરપુરી રહેતો રજાક આગરિયા અને અંજારનો આફતાબ બાયડ તોડફોડ કરી રહ્યા હતા તેમને શા માટે તોડફોડ કરો છો કહેતાં આ અમારૂં મકાન છે હવે અહીં આવતા નહીં અમે અમારો દરવાજો લગાડી રહ્યા છીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ ઘટનામાં ફાયરિંગ કરાયું હોવાની વાત પ્રસરી હતી પરંતુ પોલીસે આ વાતને નકારી હતી.
રાત્રે બનેલી ઘટનામાં ફરિયાદ તોડફોડની નોંધાઇ હતી જ્યારે આ ઘટનામાં ફાયરિંગ કરાયુ હોવાની અફવા ફેલાઇ હતી તે બાબતે પોલીસને પુછતાં તેમણે આ બાબતે તપાસ કરાવી હોવાનું કહી કોઇ ફાયરિંગ થયું ન હોવાનું જણાવ્યું હતું પરંતુ બીજી તરફ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસની સમક્ષ કહેવાયું હતું કે હા મેં આત્મ રક્ષણ માટે હવામાં રાઉન્ડ ફાયર કર્યો હતો. સાચું શું છે એ તો તપાસમાં જ બહાર આવે પરંતુ આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.