માધાપરમાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 119 બોટલ શરાબ ઝડપી પાડ્યો: આરોપી ફરાર

માધાપરમાં એલસીબી પોલીસે કારનો પીછો કરી 42, 850નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપી કાર મૂકી નાસી ગયો હતો.

સવારે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીસર્કલ પાસે એક શંકાસ્પદ કારને ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં કાર ચાલકે કાર હંકારી દીધી હતી. પોલીસ ટીમે કારનો પીછો કરતાં આરોપી પોતાના કબજાની કાર માધાપર ગામની નવાવાસમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ શાકમાર્કેટ પાસે મુકી, નાસી ગયો હતો. આ શખ્સ માધાપરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતો યોગેશ ધાલુમલ ગુરનાની (સિંધી) હતો જે પીછો કરનારા પોલીસ કર્મચારીઓએ ઓળખી લીધો હતો. અલ્ટો કાર નં. જી.જે. -12- સી.જી.-9163વાળીની તલાશી લેતાં કોથળામાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની 119 શરાબની બોટલ જેની કિં. રૂા. 42,850 મળી આવી હતી. એલસીબીએ શરાબનો જથ્થો તથા કાર કિં. રૂા. બે લાખ સહિતનો મુદ્દામાલ હસ્તગત કરી નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..