ચંદિયામાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની ઘાતકી હત્યા કરી
અંજાર તાલુકાના ચંદિયામાં મજૂરીકામ બાબતે થયેલી બોલાચાલીના મુદ્દે પતિએ પોતાની પત્નીને કુહાડીના ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ચંદિયા ગામમાં શામજીભાઈ આહીરના બ્લોકનાં કારખાનાંમાં સવારે 10 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા આ પતિ-પત્ની મજૂરી અર્થે આવ્યા હતા. આ દરમ્યાન મજૂરીકામ કરવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા આરોપી ખમુ રમજુ કોળી (રહે. થરવડા, તા. ભુજ)એ પત્ની સોનલબેનને માથાંના ભાગે કુહાડી ઝીંકી દીધી હતી, જેમાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજયું હતું
ત્યારબાદ આરોપી પોતાની પત્નીના મૃતદેહને પોતાના ગામ થરાવડા (તા. અંજાર) ખાતે લઈ આવતા આ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. અહીં અંતિમક્રિયા માટે આવેલા મૃતકના ભાઈ દિનેશભાઈએ સોનલબેનનાં માથાંના ભાગે ઈજાઓ અંગે બનેવીને પૂછપરછ કરતા જેના પ્રત્યુત્તરમાં આરોપી ખમુએ સોનલબેનને ચક્કર આવી જતાં તેનું માથું દીવાલ સાથે ભટકાયેલું તેવું જણાવ્યું હતું. મૃત્યુનાં કારણ અંગે શંકા જતાં કુટુબીજનો અને સમાજના માણસોએ પૂછપરછ કરતાં આરોપી ખમુએ હત્યાના બનાવની માહિતી આપી હતી. આ અંગે દિનેશભાઈ અલુભાઈ કોરૂ (કોળી)ની ફરિયાદના આધારે આરોપી ખમુ કોળીની પોલીસે ધરપકડ કરી હતી. આ અગાઉ પણ બંને વચ્ચે ઝગડાઓ થયેલ હતા, પરંતુ બાદમાં સામાજિક કક્ષાએ તેમનું સમાધાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.