ઓરિસ્સામાં ત્રણ ટ્રેનને સંડોવતી ભીષણ દુર્ઘટના        

ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં ગત સાંજે ત્રણ ટ્રેનને સાંકળતા ભીષણ અકસ્માતમાં 70થી વધુ મોત થયાં હતાં, જ્યારે 350થી વધુ ઘવાયા હતા. હાવડા જતી બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના અમુક ડબ્બા બહાનાગા બઝાર પાસે પાટા પરથી ખડી પડયા હતા. આ ડબ્બા શાલીમાર-ચેન્નાઇ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન સાથે જોશભેર ટકરાયા હતા અને તેના પણ ડબ્બા તહસનહસ થઇને બાજુમાંથી આવતી એક માલગાડી સાથે અથડાયા હતા. મૃત્યુઆંક વધવાની ભીતિ છે. ઈજાગ્રસ્તો પૈકી લગભગ 30ની હાલત ગંભીર બતાવાય છે. કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીકના શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશન જતી હતી ત્યારે સાંજે લગભગ 7.20 વાગ્યે બહાનાગા બઝાર પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. ખડી પડેલા ડબ્બાઓમાં ફસાયેલા સંખ્યાબંધ લોકોને બચાવવા માટેનું અભિયાન શરૂ કરાયું છે. 17 ડબ્બાને મોટાપાયે નુકસાન થયું છે. ઓરિસ્સના ખાસ રાહત કમિશનર સત્યબ્રત દાસે જણાવ્યું હતું કે, 47  ઈજાગ્રસ્તને બાલાસોર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે. અમુક મીડિયા અહેવાલોમાં કોરોમંડલ ટ્રેનના આઠથી દસ ડબ્બા ખડી પડયા હોવાનું જણાવાયું છે. વાયુસેનાની પણ મદદ લેવાઇ છે. ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ચાર ટુકડી અને એનડીઆરએફની ત્રણ ટીમ ઉપરાંત 60 એમ્બ્યુલન્સને દુર્ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ડબ્બા કાપીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 300 યાત્રીને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે, 700 હજી ફસાયેલા છે. મૃતકોના પરિજનો માટે 10-10 લાખની જાહેરાત કરાઇ છે. ઘાયલોને બબ્બે લાખ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અસરગ્રસ્ત લોકોને તમામ સંભવ મદદ કરાશે તેવી ધરપત વડાપ્રધાને આપી હતી. આ લોહિયાળ દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબરો પણ?જારી કરાયા હતા. રદ તેમજ ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી જારી કરાઇ હતી. બાલાસોરની આસપાસની તમામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલોને એલર્ટ જારી કરી દેવાયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ 60 એમ્બ્યુલન્સ દોડાવાઇ હતી. દરમ્યાન, પશ્ચિમ બંગાળથી પણ એક ઉચ્ચસ્તરીય ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી. બંગાળના મુખ્ય સચિવ હરિકૃષ્ણા દ્વિવેદીએ કહ્યું હતું કે, એક કંટ્રોલરૂમ સક્રિય કરી દેવાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુ:ખ દર્શાવ્યું છે. બચાવ અભિયાન માટે વાયુદળને પણ એલર્ટ કરી દેવાયું હતું. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક કંટ્રોલરૂમમાં પહોંચી ગયા હતા. એનડીઆરએફની પાંચ ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ ઝુંબેશમાં મદદ કરી હતી. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને નવીન પટનાયક  આજરોજ ઘટના સ્થળની જાતમુલાકાતે પહોંચશે.