ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ પર વીજ બિલના બાકીદારોનો મુદ્દો ચર્ચામાં

ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ પર વીજ બિલના બાકીદારોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 31 જાન્યુઆરી 2026 સુધી ગુજરાતની કુલ 109 નગરપાલિકાઓ પર ₹50 લાખથી વધુના વીજ બિલ બાકી છે.

આ યાદીમાં કચ્છ જિલ્લાની 7 નગરપાલિકાઓનો સમાવેશ થયો છે. જેમાં ભુજ, અંજાર, માંડવી (કચ્છ), ભચાઉ, રાપર, નખત્રાણા અને મુન્દ્રા નગરપાલિકાઓના નામ સામેલ છે.

સરકારના જણાવ્યા મુજબ મોટાભાગના બાકી વીજ બિલ પાણી પુરવઠા યોજનાઓ (Water Works) અને શહેરોમાં સ્ટ્રીટલાઇટ જેવી આવશ્યક જાહેર સેવાઓ માટે વપરાતી વીજળીને કારણે થયા છે, જેના કારણે નગરપાલિકાઓ પર આર્થિક બોજ વધ્યો છે.

વીજ કંપનીઓ (DISCOMs) દ્વારા વસુલાત માટે કડક પ્રક્રિયા અપનાવવામાં આવી છે. જેમાં પ્રથમ 15 દિવસની લેખિત નોટિસ, ત્યારબાદ 24 કલાકની અંતિમ ચેતવણી, તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે સીધી બેઠક કરીને ચુકવણી માટે દબાણ કરવામાં આવે છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં વીજ બિલ વસુલાત માટે ખાસ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં 2024–25 દરમિયાન ₹325.57 કરોડ અને 2025–26 દરમિયાન ₹372.27 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે.

જો લાંબા સમય સુધી બાકી રકમ ચૂકવવામાં ન આવે તો કેટલાક કિસ્સાઓમાં નગરપાલિકાઓનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે, જોકે જાહેર સેવાઓ પર અસર ન પડે તે માટે ચુકવણી શરૂ થતા જ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે છે.