જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી: બાળકોને ઓરી- રૂબેલાથી રક્ષિત કરાશે
“રસી” શબ્દ આજના સમયમાં જરા પણ અજાણ્યો નથી, એક રસીની મહત્તા આપણે સૌએ કોરોના કાળમાં જાણી છે, ત્યારે અબાલ-વૃદ્ધ સૌને રક્ષણ આપતી પોલિયો રસીના મહત્વને વિશેષ દિન સાથે જોડી ભારતમાં દર વર્ષે ૧૬મી માર્ચને “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો, વર્ષ ૧૯૯૫માં ભારતમાં આજના દિવસે પ્રથમવાર પોલીયોની રસી આપવામાં આવી હતી. તેના અનુસંધાને દેશમાં દર વર્ષે ૧૬ માર્ચને “રાષ્ટ્રીય રસીકરણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ દરમિયાન આપવામાં આવતી રસીકરણની સેવાઓથી કોઈ કારણોસર વંચિત રહી ગયેલા બાળકોને ખાસ ઝુંબેશ દ્વારા શોધી રસી આપવામાં આવશે.
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ સર્ગભા બહેનોને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રૂબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતાં ઝાડા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. આ રોગ પ્રતિરોધક રસીઓ ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી, બાળકો અને સગર્ભાઓનું સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે.
જિલ્લામાં “રાષ્ટ્રીય રસીકરણ દિવસ”ની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૯ મહિનાથી ૫ વર્ષના બાળકો ઉપરાંત, હવે ૫ થી ૧૦ વર્ષના તમામ બાળકોનો જેમને અગાઉ રસી મળેલ ન હોય અથવા માત્ર ૧ ડોઝ લીધેલ હોય તેવા તમામ બાળકોને ઓરી-રૂબેલા(એમઆર) સ્પેશિયલ ડ્રાઇવમાં રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગંત કચ્છમાં કુલ ૨૮૫ સેશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ઓરી રૂબેલા રસીનો એક પણ ડોઝ બાકી હોય તેવા બાળકોને રસીકરણ કરવામાં આવનાર છે.
પરિવારના સ્થળાંતર, વાલીઓનું રસીથી અજાણ હોવું વગેરે કારણોથી આ તમામ બાળકો રસીકરણથી વંચિત હતા, જેને ખાસ સર્વેક્ષણ કરી વાલીઓને કાઉન્સિલિંગ દ્વારા રોગ અને રસી વિશે સમજાવી આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ કરવામાં આવશે. આમ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે જિલ્લાના બાળકોને રસીરૂપી કવચ આપીને સુરક્ષિત કરવામાં આવશે.