ભચાઉની રાષ્ટ્રીય બેંકમાં 6 ખેડૂતોની જાણ બહાર ખાતા ખોલાવી 48.82 લાખની છેતરપિંડી આચરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ભચાઉમાં આવેલી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં છ જમીન માલિકોનાં નામે ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી આ માલિકોની જાણ બહાર જમીનના આધાર પુરાવા મેળવી બેંકમાં ખાતાં ખોલાવી પાક ધિરાણ અંગે અરજી કરી બેંકમાંથી લોન લઇ રૂા. 48,82,000ની છેતરપિંડી આચારનાર સાત શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. આદિપુર રહેતા બેંકના અધિકારી ભાવેશ બાબુલાલ ઠક્કરે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભચાઉમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મનફરામાં રહેતા ગડા લખમશી કાથડવાલાને ત્યાં એસ.બી.આઇ. બેંકની ચેકબુક આવતાં તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમણે આ બાબતે બ્રાન્ચ મેનેજર સુનીલકુમાર રતિલાલ પટેલનો સંપર્ક સાધી પોતાનું ખાતું એ બેંકમાં ન હોવા છતાં કેવી રીતે ચેકબુક આવી છે તે અંગે પૂછપરછ કરી હતી. બેંકના અધિકારીઓએ આ બાબતે તપાસ છ ખાતાં ખોલાવી કોઇએ બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
ગડા લખમશી કાથડવાલાનું તા. 16-5ના ખાતું ખોલાવાયું હતું અને તા. 17-5ના પાક ધિરાણ લોનની અરજી કરાઈ હતી. જેમાં મનફરાની જમીનના દસ્તાવેજો, નોટરી સમક્ષનું સોગંદનામું, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે આધારો નાખી અરજી કરવામાં આવી હતી. જે અરજી ગાંધીધામ શાખામાં આવતાં બેંકએ રૂા. 7,75,000ની લોન આપી હતી, જે આરોપીઓએ ઉપાડી લીધી હતી. બાદમાં ગડા લખમશી કાથડ કરમણનાં નામે ખાતું ખોલાવી પાક ધિરાણની લોનની અરજી કરી તેમાં પણ જમીનના આધારો, સોગંદનામું, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજો બેંકમાં આપ્યા હતા. જેમાં બેંકએ રૂા. 9,40,000 ખાતાધારકનાં ખાતાંમાં લોન જમા કરાવતાં બોગસ દસ્તાવેજ બનાવનાર શખ્સોએ આ રકમ ઉપાડી લીધી હતી. આવી જ રીતે મનફરાના મયૂર નવીનચંદ્ર નંદુના નામે ખોટા દસ્તાવેજ ઊભા કરી તેમના નામે બેંકમાં ખાતું ખોલાવાયું હતું. અને તેમના નામે પાક ધિરાણ લોન માટે અરજી કરી તેમાં બનાવટી દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. બેંકએ રૂા. 10,50,000 લોન મંજૂર કરી ખાતામાં નાખતાં આરોપીઓએ તે રકમ ઉપાડી લીધી હતી. મનફરામાં જ રહેતા સાવલા લવિંગિકાબેન દામજીનાં નામે ખાતું ખોલાવી તેમનાં નામે પાક ધિરાણની અરજી કરી બેંકએ રૂા. 12,12,000ની લોન મંજૂર થતાં આરોપીઓએ તે રકમ ઉપાડી લીધી હતી. ચોબારીના રામજી પ્રાગજી ઠક્કરના નામે પણ ખાતું ખોલાવી, પાક ધિરાણની અરજી કરી રૂા. 9,05,000ની લોન મંજૂર કરી આરોપીઓએ તે રકમ ઉપાડી લીધી હતી. તેમજ મનફરાના સચિન હરિલાલ સાવલાના નામે બેંક ખાતું ખોલાવાયું હતું. પરંતુ ખોટું ખાતું ખોલાવનારા શખ્સો પાછળથી બેંકમાં આવ્યા નહોતા.
આ દસ્તાવેજોમાં ખોટી ઓળખ આપનાર પુંજા કાનસિંઘ નાયકા, પર્વત દેવા નાયકા, શાંતિલાલ વેલજી નાયકા, કોકિલાબેન વિક્રમ નાયકા, વિક્રમ બિબા નાયકા, ઓખળ આપનાર સાક્ષી તરીકે રાણા ઉર્ફે રમેશ આંબા રબારી, સી.વી. ગુંસાઇ પિટિશન રાઇટ ભચાઉએ સહીઓ કરી બેંક સાથે રૂા. 48,82,000ની છેતરપિંડી આચરી હતી. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.