ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો: 1,68,650નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસે બાતમીના આધારે કિડાણા ગામે દરોડો પાડી ગાડીમાં હેરફેર થઈ રહેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો.

પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કિડાણાના યોગેશ્વર નગરમાં રહેતો શક્તિસિંહ વાધુભા રાઠોડ પોતાના કબજાની GJ-12-એઈ-235 અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી યોગેશ્વરનગરના ઘર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ યોગેશ્વરનગર પાસે ગાડીની વોચમાં ગોઠવાઈ ગયેલ હતી. વોચ દરમિયાન બાતમી હકીકત વાળી ગાડી આવતા પોલીસે ગાડીને અટકાવી આરોપી શક્તિસિંહ વાધુભા રાઠોડને પકડી પાડ્યો હતો.

પોલીસે ગાડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ તથા બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસે રહેલ અલ્ટો કાર કિ.રૂ.1,00,000 તથા દારૂની બોટલ નંગ 132 કિ.રૂ.49,500 તેમજ બીયર ટીન નંગ 96 કિ.રૂ.9600, 2 મોબાઈલ ફોન કિ.રૂ.5500 તથા રોકડ રૂપિયા 4050 મળી કુલ કિ.રૂ.1,68,650નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.

પોલીસે પકડાયેલ આરોપી શક્તિસિંહને દારૂના જથ્થા અંગે પુછપરછ કરતાં કેરામાં રહેતો અનોપસિંહ અભેસિંહ રાઠોડનો મુસાભાઈ નામનો માણસ કેરા પેટ્રોલ પંપ પાસે આપી ગયો હોવાની કેફિયત આપી હતી. દરોડા દરમિયાન આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.