કચ્છ જીલ્લાના 7 તાલુકામાથી સુરક્ષા અંગે 2221 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું
હાલમાં જ્યારે વાવાઝોડું હવે નિશ્ચિત થયું છે, ત્યારે રાજ્યના 1600 કિલોમીટરના દરિયા કિનારે વાવાઝોડું પહોચે એ પહેલા જ સરકાર દ્વારા પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરિયા પર વસતા માછીમારો તેમજ કચ્છના રણમાં ખારા પાણીમાંથી મીઠું પકવતા અગરીયાઓની સુરક્ષા માટે તેમનું સ્થળાંતર શરૂ કરી દેવાયું છે. કચ્છ ના સાત તાલુકામાથી 4509 મીઠાના અગરીયા તેમજ 120 ગામના 2221 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. જિલ્લા મથક ભુજ ખાતે દિવસભર આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને કચેરીના તમામ અધિકારીઓ સાથે મીટીંગ દરમિયાન વાવાઝોડાની અસર શરૂ થાય પૂર્વે જ દરિયાકાંઠાના 0 થી 10 કિલોમીટર સુધીમાં વસતા માછીમારો, ગ્રામીણ લોકો, ગરીબો તેમજ કચ્છના રણમાં જ્યાં દરિયાઈ પાણીનું સ્તર વધવાની આશંકા છે તેવા વિસ્તારના અગારીયાઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા. વહીવટી તંત્ર દ્વારા કચ્છ જીલ્લાના સાત તાલુકામાં 187 શેલ્ટર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં 24 ક્લસ્ટર અધિકારીની નિમણૂક કરાઇ જેઓ તમામ પ્રકારની વ્યવસ્થા તેમજ તંત્ર સાથે સંકલન સાધીને કામગીરી કરશે. શેલ્ટર સેન્ટરમાં મહિલા,બાળકો ,તેમજ વૃદ્ધ નાગરિકો માટે કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે મેડિકલ ઓફિસર, આંગણવાડી તેમજ આશા વર્કરોને કામગીરી સોંપવનો નિર્ણય લેવામાં આવ્યો છે.