ગાંધીધામની બે પેઢીએ બાકી વેચાણવેરો ન ભરી સરકાર સાથે 6.28 કરોડની ઉચાપત કરતાં ફરિયાદ નોંધાઈ

ગાંધીધામની બે પેઢીએ વેચાણવેરાની બાકી નીકળતી રકમ ન ભરીને સરકાર સાથે 6.28 કરોડની છેતરપિંડી વેરાની ઉચાપત કરી હોવાની ફરિયાદ સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ગાંધીધામના રાજ્ય વેરા અધિકારી પ્રદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ નોંધાવી હતી. આ અંગે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગાંધીધામ ના સેકટર-8માં ઓસ્લો રોડ ઉપર પ્લોટ નં. 214 ઉપર આવેલી ઈમારતના બીજા માળે આવેલ ઓફિસ નં. 221માં ચાલતી મે. લોયર્ડ પેટ્રોલિંગ કંપનીના માલિક નિમિષા મનોહર મિત્તલ (મુંબઈ)એ વર્ષ 2003 – 2004નો વેરો, વ્યાજ અને દંડ મળીને કુલ રૂા. 3,71,42,182 જેટલી માગણી રકમની ભરપાઈ કરી ન હતી.

તેમજ કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમા શેડ નં. 263થી 268 ઉપર આવેલી મે. કેશવ એકઝિમ લિ. પેઢીના માલિક રાજેશ રામક્રિષ્ના અગ્રવાલ (મુંબઈ), મંજુ રામક્રિષ્ના અગ્રવાલ (મુબઈ), વેદપ્રકાશ રાકેશચંદ્ર અગ્રવાલ (કોલકતા)એ  પણ વર્ષ 2003-2004ના નાણાકીય વર્ષ દરમ્યાનનો વેરો, વ્યાજ અને દંડ સહિત કુલ રૂા. 2,57,18,496 જેટલી માગણી રકમની ભરપાઈ કરી ન હતી. એસ.જી.એસ.ટી. વિભાગે બાકી નીકળતી રકમને વસૂલવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ વસૂલાત શકય ન બનતાં આરોપીઓ વિરુદ્ધ રકમ સરકારી તિજોરીમાં જમા ન કરાવી સરકાર સાથે વિશ્વાસધાત અને છેતરપિંડી કરી વેરાની ઉચાપત આચરી હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ  વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.