ભુજમાં ભીખ માંગવા આવેલ સ્ત્રીએ મહિલાનો વિશ્વાસ મેળવી મેલી વિધ્યા દૂર કરવાના નામે  56000ના દાગીના લૂંટી છૂમંતર

ભુજમાં ભીખ માંગવા આવેલ સ્ત્રી મહિલાનો વિશ્વાસ મેળવી મેલી વિધ્યા દૂર કરવાના નામે 56000ની મત્તા મેળવી છૂમંતર થઈ હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

 આ અંગે વાલરામનગર 2માં રહેતા નિનાબેન અમૃતલાલ ચૌહાણે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.29-6ના રોજ સાડા અગીયાર વાગ્યાના અરસામાં એક સાઠથી પાસઠ વર્ષની મહિલા તેમના ઘરે ભીખ માંગવા આવી હતી. ફરિયાદી તેમને પૈસા આપતા તે ફરિયાદીના દરવાજા પાસે બેસી કહેવા લાગ્યા હતા કે, તમારો ચહેરો જોતાં લાગે છે કે  કોઇકે તમારા પર મેલી વિધ્યા કરેલ છે. મારી પાસે બેસ તને રસ્તો બતાઉ કહી આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તેને ચોખા પાણીનો ગ્લાસ તેમજ ઘી માટે રોકડ રકમ ફરિયાદી પાસે માંગી હતી ઉપરાંત વિધિ કરતાં હોવાથી સોનાની વસ્તુ મૂકવા માટે જણાવ્યુ હતું. જેથી ફરિયાદી ઉપરોક્ત મહિલાના વિશ્વાસમાં આવી ઘરમાં રહેલ સોનાનો મંગલસૂત્ર તેમજ સોનાની બુટ્ટી લઈ આવી મહિલાને આપી હતી. ત્યારબાદ તમામ વસ્તુઓ આરોપીએ તેની થેલીમાં મૂકી અને 4 વાગ્યે વિધી પૂરી કરી પરત આવીશ તેવું જણાવી ચાલી ગઈ હતી. ફરિયાદી બપોરે જમીને સૂઈ ગયા બાદ સાંજ 5 વાગ્યે જાગતા પોતે વિશ્વાસમાં આવી છેતરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીએ તેમના પરિવાર સાથે મળી ઉપરોક્ત મહિલાની તપાસ કરતાં તે ક્યાય મળી આવી ન હતી. આમ, ફરિયાદીએ ઉપરોક્ત આરોપી મહિલા વિરુદ્ધ વિશ્વાસઘાત કરી તેમની પાસેથી 56000ના દાગીના લૂંટી ગયા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.