અંજારમાં પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું તેના પરીવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ
copy image
181 અભયમ ટીમની કાર્યકુશળતા પ્રશંશાપાત્ર છે. ટીમની સુજબુજથી એક શ્રમિક પરિવારથી વિખૂટી પડેલી નાની બાળકીને સલામત રીતે તેમના પરીવારને સોંપાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવેલ હતું કે, 4-5 વર્ષની એક બાળકી એક કલાકથી ભટકી રહી છે તેમજ રડી રહી છે. કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર બારડ નિરૂપા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયેલ હતા. બાળકી સાથે વાતચીત કરી તેના વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વાતચીત દરમીયાન બાળકીએ જણાવ્યું કે, “મને મારા ઘરે જવું છે મે મારું ઘર જોયેલ છે” ત્યાર બાદ ટીમ બાળકીને લઈને 181 વાનમાં બાળકીના બતાવ્યા સરનામે પહોંચી ગયેલ હતી, પરંતુ બાળકીનું ઘર ન મળતાં 181 ટીમ બાળકી સાથે વધુ વાતચીત તેમજ રમતમાં પૂછ્યું કે તમારું ઘર કેવું છે બાળકીએ જણાવ્યું કે મારું ઘર એક ઝૂપડું છે.
ત્યારબાદ બાળકી ના જણાવ્યા મુજબ 181 ટીમે અંજાર વિસ્તારના ઝૂંપડટ્ટીઓમાં તપાસ કરી હતી. તપાસ દરમીયાન અંજાર બાજુ આવેલ એક ઝૂંપપટ્ટી આવતા બાળકીએ ઘર આવી ગયું હોવાનૂ જણાવેલ હતું, પરંતુ બાળકીના પરીવારમાં તેના માતા-પિતા ઘરે હાજર ન હતા. આસપાસના વિસ્તારમાં વધુ તપાસ કરતાં લોકો દ્વારા જાણવા મળ્યું કે, બાળકીના માતા-પિતા પ્લાસ્ટિકની નાની-મોટી ચીજ વસ્તુઓનું ગાંધીધામમાં રોડ પર વેચાણ કરે છે. બાળકીના પિતાનો સંપર્ક નંબર મેળવી બાળકીને તેના માતા-પિતા પાસે લઈ જવામાં આવેલ હતી. બાળકીના માતા-પિતા બાળકીને સલામત જોઈ બાળકીને ભેટી રડવા લાગ્યા અને 181 ટીમને જણાવ્યું કે, તેઓ બપોરના સમયથી બાળકીને શોધી રહ્યા છે. તે હોટલ પર પાણી પીવાનું કહી નીકળી ગયેલી હતી. બાળકીના માતા-પિતા એ 181 ટીમનો આભાર માન્યો હતો. 181 ટીમે બાળકી તેમજ તેના માતા પિતાના આધાર પુરાવા અને ફોટો ચેક કર્યા બાદ બાળકીને તેઓના માતા-પિતાને સહી સલામત સોંપી હતી.
181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ મહિલાઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે.