લખપત ખાતે આવેલ મોટીછેરમાં મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં એક બાળકે જીવ ગુમાવ્યો

લખપત ખાતે આવેલ મોટીછેરમાં શનિવારે સાંજના સમયે મંદિર પરિસરની દીવાલ અચાનક પડી જતાં શેરીમાંથી પસાર થઇ રહેલા ત્રણ બાળકો દીવાલ નીચે દટાઈ ગયેલ હતા જેમાં એકનું કરૂણ મોત નીપજ્યું હતું. તેમજ બે બાળકોને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.

       મળેલ માહીતી અનુસાર શનિવારે ગામમાં આવેલા સચિયાર માતાજીના મંદિર પાસેની શેરીમાંથી વરસતા વરસાદ વચ્ચે મંદિરના દિવાલની બાજુમાથી ત્રણ બાળકો જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક દીવાલ ધરાસાયી થઇ ગયેલ હતી. જેમાં 6 વર્ષીય નવલસિંહ હઠેસિંહ સોઢા નામના બાળકનું કરૂણ મોત નીપજયું હતું અને 7 વર્ષીય જયવીર સિંહ વિજયસિંહ સોઢા તેમજ દક્ષાબા પીરદાનસિંહ સોઢાને ઈજા પહોચી હતી. બનાવ બાદ તુરંત બાળકોને ગામની નજીક આવેલા કચ્છ લીગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેકટ ખાતે લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે નવલસિંહ સોઢાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે બાળકોને હાથ, પગ તેમજ પીઠના ભાગે ઈજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવેલ હતી.

 ગામમાં બનેલ બનાવના કારણે આખા ગામ તેમજ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.