ચાંદ્રાણી ખાતે આવેલ નદીમાં નાહવા ગયેલા બે યુવકોના મોત
અંજાર ખાતે આવેલ ચાંદ્રાણી ગામમાં ચાંદ્રાણી ડેમ શકરા નદીમાં નાહવા ગયેલ પાંચ મિત્રમાથી ગામના અરવિંદ પોચાભાઇ હુંબલ અને સાહિલ શંભુ હુંબલ નામના બે યુવાનોનું ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં રહેતા પાંચ મિત્ર બપોરના સમયે ગામના ચાંદ્રાણી ડેમ પાસે શકરા નદીમાં નહાવા માટે ગયેલ હતા.
મળેલ માહિતી મુજબ વરસાદી પાણીથી ભરાયેલી નદીમાં અરવિંદ અને સાહિલ નામના યુવાનો થોડા આગળ નીકળી ગયેલ હોવાનું જણાવેલ હતું. આ બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થતાં અન્ય મિત્રોએ રાડારાડ કરી હતી. આ બંને યુવાન પાણીમાં ડૂબી જતાં ભુજથી રેસ્ક્યૂ ટીમ બોલાવાઇ હતી. આ ટીમે સંતાનના પિતા એવા અરવિંદ અને એકાદ વર્ષ પહેલાં જ જેના લગ્ન થયેલ હતાં તેવા સાહિલને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ બંને યુવાનને સારવાર અર્થે અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા ત્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરેલ હતા.