આજના યુગમાં મગજના બદલે માનવીઓનું જીવન ઉપકરણોના સહારે
copy image
આજના ટેક્નોલૉજીના સમયમાં મગજને બદલે માનવીઓ ઉપકરણોના સહારે જીવી રહ્યા છે.
એક સમય એવો હતો જ્યારે ચપટી વગાડતાંની સાથે જ અઘરા હિસાબો યાદ આવી જતા, મિત્રો કે સગાઓના સરનામાં અને નંબર મોઢે હતા. આજના સમયમાં હિસાબ માટે કેલ્ક્યુલેટર છે. મોબાઇલમાં ફોન નંબર છે. ગૂગલ વગર તો જાણીતા રસ્તાઓ પણ નથી મળતા, કારણ કે, મગજને બદલે માનવીઓ ઉપકરણોના સહારે જીવે છે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના તબીબો દ્વારા વર્લ્ડ બ્રેઇન-ડે 22 જુલાઇ ના ડિયાવસે મગજની સ્વસ્થતાના ઉપાયો સૂચવતાં જાણવા મળ્યું કે, વ્યવહારમાં મગજની ક્ષમતાઓ ઉપયોગમાં લેવાય તો જ મગજ તેની ધારણશકિત જાળવી રાખે છે. નહીં તો મગજની શક્તિ કાળક્રમે ઓછી થતી રહે છે. ટેકનોલોજી ઉપર વધુ પડતું અવલંબન, જંક ફૂડ, વાંચનનો અને વિચારવાનો અભાવ, ઓછી ઊંઘ, શારીરિક શ્રમમાં ઘટાડો અને ખોટી જીવનશૈલીને કારણે પણ મગજને નુકસાન પહોચી રહ્યું છે. મગજ મંદ પડી રહ્યું છે તે કેમ જાણી શકાય તે બાબતે તબીબો દ્વારા જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિ જો પોતાના અભિપ્રાયો, દૃષ્ટિકોણ કે વલણમાં જડતા બતાવે તો ચેતી જવા જેવું છે. ઉપરાંત મગજમાં આવતી કલ્પનાઓમાં ખોટ જણાય, યાદશક્તિ ઘટવા લાગે, નવું શીખવામાં મુશ્કેલી જણાય, સતત કંટાળો આવે અને માનસિક થાક જણાય તો પણ ચેતી જવું જોઇએ. તબીબોએ મગજને સ્વસ્થ રાખવા આહારની વિશેષ ભૂમિકા હોવાનું જણાવી ઓમેગા-3 આધારિત ખોરાક, રોગપ્રતિકારક શકિતવાળું ભોજન મદદરૂપ બને છે, તેમજ વધુ પડતી સ્વીટ, વધુ ચરબીવાળો ખોરાક, આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહેવા સૂચન કર્યું છે.