ભુજ ખાતે આવેલ લેવા પટેલ હોસ્પિટલને 30 લાખનું દાન કરાયું

ભુજ ખાતે આવેલ કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગને ચાર મશીન માટે નારણપરના બિનનિવાસી ભારતીય દાતા દ્વારા રૂા. 30 લાખનો ચેક આપવામાં આવ્યો. આ દાતાએ સમાજની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 2.50 કરોડનું દાન આપેલ હતું. વેલબાઇ ધનજી વરસાણી હસ્તે ધનજીભાઇ દરબાર, પુત્રો હરીશભાઇ, કિશોરભાઇ, પુત્રવધૂઓ હીનાબેન, પ્રભાબેન, પુત્રીઓ જશુબેન કુંવરજી આસાણી, કસ્તૂરબેન આશિષ હાલાઇ સમસ્ત પરિવાર (રામજી એન્ડ સન્સ નાઇરોબી-કેન્યા) દ્વારા કચ્છના દર્દીઓ માટે માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના જયસામ મફત ડાયાલિસીસ વિભાગ માટે ચાર મશીનનું દાન કરવામાં આવ્યું હતું. એક મશીનના રૂા. 7.5 લાખ લેખે રૂા. 30 લાખનો ચેક ટ્રસ્ટના ઉપાધ્યક્ષ કેસરાભાઇ રવજી પિંડોરિયા, સહમંત્રી વસંતભાઇ પટેલને દાતાએ અર્પણ કરેલ હતો. 30 લાખનો ચેક અર્પણ કરતાં સમયે એક્સિસ બેંકના મેનેજર વિપુલ ચૌહાણ પણ હજાર રહ્યા હતા.