પાલિકા ગાઢ નિન્દ્રામાં : આદિપુર શહેરમાં પોલીસ લાઇનમાં છેલ્લા 2 માસથી ઘૂંટણસમા પાણી

આદિપુર પોલીસ લાઇનમાં છેલ્લા બે માસથી વરસાદી અને ગટરના પાણી એટલી હદે ભરાઈ ગયેલ છે કે  ઘુટણ પણ ડૂબી જાય, ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે આમ પ્રજાને સલામત રાખતી પોલીસનો પરિવાર ખુદ અસુરક્ષિત જોવા મળી રહ્યું છે. કારણ કે સતત ગંદકીના કારણે આદિપુર પોલીસ લાઇનમાં બીમારીનો પ્રમાણ ખૂબ વધ્યું છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર  આદિપુરના 5-બીમાં આવેલી પોલીસ લાઇન જ્યાં આદિપુરની પ્રજાની સલામતી માટે સતત ચિંતિત રહેતા પોલીસનો પરિવાર રહે છે ત્યાં પણ ગટર ઊભરતા હાલમાં ઘુટણ ડૂબી જાય તેટલા હદે ગંદા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના પરીણામે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધતાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અનેક વખત પાલિકાને રજૂઆતો બાદ ટીમ આવે છે અને સર્વે કરી જતી રહે છે પરંતુ ગટર અને વરસાદી પાણીના નિકાલ બાબતે કોઈ કામગીરી થતી ન હોવાથી અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે.