10 થી 19 વર્ષની ઉમર ધરાવતી 1.62 લાખ દીકરીઓને દર માસે ‘સેનેટરી પેડ’ નો લાભ મળશે

copy image
‘માસિક ધર્મ’એ એવો શબ્દ છે, જે વિષય પર આજે પણ લોકો ખુલીને વાત કરતાં અચકાય છે. આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષની સરખામણીમાં સુધરી છે, પરંતુ આજે પણ લોકોને વાત કરતાં ખચકાટ અનુભવાય છે. મહાનગરોમાં ફેલાયેલી જાગૃતિની તુલનાએ સરહદી કચ્છ જિલ્લો હજુ પછાત છે. આજની સ્થિતિએ કચ્છ જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં દિકરીઓ ભણવા માટે બહાર જઈ શકતી નથી. દીકરીઓ ઘરની બહાર એકલી નિકળી શકતી નથી તેવી માનસિકતા વચ્ચે કચ્છમાં માસિક ધર્મ દરમિયાન અસ્વચ્છતા અને કપડાંના ઉપયોગના કારણે બીમારીના કેસો સામે આવેલ છે. જેમાં મોત સુધીના કિસ્સાઓ પણ બની ચુકયા હોવાથી આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ દ્વારા કચ્છમાં ખાસ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે કિશોરી અને યુવતીઓને ઘર બેઠા દર મહિને પેડ મળી રહે તે માટેની વિતરણ વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ મુદ્દે વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કેમ્પ યોજી માહિતી આપવામાં આવી હતી. કેટલાક સ્થળોએ પેડ વિતરણ કરવામાં આવે છે. અમુક પંચાયતોમાં મશીન પણ લગાવવામાં આવે છે પરંતુ આજે પણ રૂઢીચુસ્ત માનસિકતાના કારણે આ મુદ્દે ખુલીને કોઈ વાતચીત કરી શકતું નથી.
જેના પરીણામ સ્વરૂપે તંત્ર દ્વારા હવે લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે પાયલોટ પ્રોજેકટ કરી શાળાએ જતી અને શાળાએ ન જતી હોય તેવી દિકરીઓને ઘરે જ દર મહિને પેડ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે.મળેલ માહિતી અનુસાર જેમાં 10 થી 19 વર્ષની શાળાએ જતી હોય અને ન જતી હોય તેવી દિકરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં 1.62 લાખ લાભાર્થી થાય છે. જેઓને સબ સેન્ટર અને આંગણવાડી વાઈઝ વિતરણ કરવામાં આવશે. હાલ આ પ્રોજેકટ અમલમાં આવ્યો નથી, તે દિશામાં પ્રયાસો માટે સંસ્થાઓનો પણ સહયોગ લેવાઈ રહ્યો છે, પરંતુ સરહદી કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા કરવામાં આવનાર પ્રયાસ ગ્રામીણ વિસ્તારોમાં આશિર્વાદરૂપ બની રહેશે.