ગળપાદર ખાતે આવેલ સ્મશાનમાં બે વેવાઇ પક્ષ વચ્ચે થયો ઝગડો : 4 ઘાયલ, 12 સામે ગુનો

ગળપાદર ફાટક નજીક આવેલ કૈલાશધામ સોસાયટીમાં દિકરીની પુણ્યતિથીના પૂજન નિમિતે એકઠા થયેલા બે વેવાઇ પક્ષમાં ઝગડો થયેલ હતો. જેની ફરિયાદ મેઘપર બોરીચી રહેતા યોગીતાબેન વિરેન્દ્રગીરી ગોસ્વામીએ એ-ડિવિઝન પોલીસ મથકે નો઼ધાવેલી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ-2019 માં તેમના લગ્ન અજમેર રહેતા સુરજ રાજેન્દ્રકુમાર ગોસ્વામી સાથે થયા ત્યાર બાદ બે મહિના બરોબર ચાલ્યું. પરંતુ સાસુ નીતીબેન રાજેન્દ્રકુમાર ગોસ્વામી, નણંદ મનિલાબેન રાજેન્દ્રકુમાર ગોસ્વામી, જેઠાણી અનિતાબેન રાજેન્દ્રકુમાર ગોસ્વામી અને જેઠ રવિ રાજેન્દ્રકુમાર ગોસ્વામી નાની નાનીવાતોમાં ઝઘડો કરી તારા પિતાના ઘરેથી કરિયાવર નથી લઇ આવી તેવા મેણા ટોણા મારતા હતા. પતિને ચડામણી કરતાં પતિ સુરજ અવારનવાર મારકૂટ કરતા હતા, ત્યારબાદ પ્રેગ્નેન્ટ હોવાથી તેઓ પિયર આવ્યા હતા ત્યારે પણ માનસિક ત્રાસ આપતા રહેતા.
દીકરીનો જન્મ થયા બાદ સાસરે ગયાથી કંટાળતા 2021માં તેઓ માવતરના ઘરે પરત આવી ગયેલ હતા. તા.29/7 ના રોજ તેમની દિકરીની પુણ્યતિથી હોઇ ગળપાદર ફાટક પાસે આવેલા કૈલાશધામ સ્મશાનમાં તેની સમાધી પાસે પૂજન કરવા ગયા ત્યારે પતિ સુરજ અને સાસુ નીતીબેન હાજર હતા અને ત્યાં પણ ઝઘડો કરી પતિએ કડું મારી નાકમાં ફ્રેક્ચર જેવી ઇજા પહો઼ચાડી તેમજ બહેનને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
ઉપરાંત સામે પક્ષે સુરજ રાજેન્દ્રકુમાર ગોસવામીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર જણાયું કે તેમની પત્ની યોગીતાએ તેમના માતાને લાફો મારી તેમને બચકું ભર્યું તેમજ તેમના બહેન લતેશબેન વિરેન્દ્રગીરી ગોસ્વામી, ભાભી ખુશ્બુબેન, રવિન્દ્રગીરી, વિરેન્દ્રગીરી, રાહુલગીરી અને જગદિશગીરીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બન્ને પક્ષની ફરિયાદના આધારે 12 સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.