દોઢ માસ બાદ ભુજ આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેક શરૂ થતાં અરજદારોમાં રાહત જોવા મળી : 2 દિવસમાં 300 વાહનચાલકોએ પરીક્ષા આપી

copy image

 

બિપરજોય વાવાઝોડાના લીધે ગત 13 જુનના ભુજની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેક બંધ કરવામાં આવેલ હતો, વાવાઝોડામાં વીજ થાંભલા,વૃક્ષો સહિત વ્યાપક નુકશાની થયેલ હતી જેમાં ભુજ આરટીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેક પણ સમાવિષ્ટ હતો પણ જિલ્લામાં તમામ વ્યવસ્થા સુનિશ્ચિત થઈ ગઈ એકમાત્ર આરટીઓનો ટ્રેક જ બંધ હતો જે હવે આખરે દોઢ માસ બાદ શરૂ થતા અરજદારોમાં  રાહતનો  અનુભવ જોવા મળી રહ્યો  છે.અરજદારો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાયલ લેવાયા બાદ ક્ષતિઓ નિવારી લેવાતા સોમવારથી રાબેતા મુજબ ટ્રેક શરૂ થઈ ગયેલ છે.જેમાં 2 દિવસમાં 300 જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનચાલકોએ પરીક્ષા આપેલ છે. અંજાર આરટીઓમાં જીજે 39 કોડ શરૂ થયેલ છે પણ ટ્રેક શરૂ થવામાં મહિનો થઈ જશે જ્યારે ભુજમાં દોઢ મહિનાથી ટ્રેક બંધ હોઈ અરજદારોની સંખ્યા વધી જતાં ધસારો વધે તેવી શકયતા જણાઈ રહી  છે.અલબત્ત લર્નિંગ લાયસન્સની 6 માસની મુદત પૂર્ણ થતાં ઘણા વાહનચાલકોને રીન્યુ ફી પણ ભરવી પડશે. નિયમ પ્રમાણે લર્નિંગ ઇશ્યુ થયાના મહિનામાં પાકા લાયસન્સ માટે પરીક્ષા આપી શકાય છે પરંતુ ઘણા ચાલકો મુદત પૂર્ણ થવા આવે ત્યારે આરટીઓમાં આવતા હોય છે ત્યારે દોઢ મહિનાથી ટ્રેક બંધ રહેતા આવા વાહનચાલકોને રીન્યુ ફી ભરવાની ફરજ પડશે.