નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ૨૧ દીકરીઓનું ભુજ કલેકટર કચેરી ખાતે સન્માન કરાયું
જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી હેઠળ બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને શિક્ષણક્ષેત્રે / સાંસ્કૃતિક ક્ષેત્રે / તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ૨૧ દીકરીઓનું આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી અમિત અરોરાએ યુવતીઓને સમાજમાં સમાન તક મળે તેના પર ભાર મૂકતા દીકરીઓને આત્મવિશ્વાસ જાળવી રાખીને આગળ વધવા શીખ આપી હતી. તેમણે વાલીઓને દીકરીઓને માત્ર શિક્ષણ આપીને ફરજ પુરી કર્યાનો સંતોષ ન માનીને તેને પરીણામ લક્ષી બનાવતા દીકરીને આર્થિક રીતે પગભર બનાવવા તથા માનસિક રીતે મજબૂત બનાવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ વિશિષ્ટ સિધ્ધી મેળવનારી દીકરીઓને બિરદાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.
કાર્યક્રમમાં વિશિષ્ટ સિધ્ધી મેળવનાર દિકરીઓનું કલેકટરશ્રી તથા ડીડીઓશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ અધિકારીશ્રી સુલોચના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ફોરમ વ્યાસે કર્યું હતું