હયાતીની ખરાઇ બાકી હોય તેવા પેન્શનરો જોગ


કચ્છ જિલ્લાની તિજોરી ખાતેથી બેન્ક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોએ નિયમોનુસાર દર વર્ષે મે- જુન-જુલાઇ માસમાં હયાતિની ખરાઈ કરાવવાની રહે છે. જેથી જે પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવેલ ન હોય તે પેન્શનરોએ જે શાખામાં ખાતું હોય તે બેક્શાખામાં જઈને નિયત નમૂનાના ફોર્મમાં બેન્ક સત્તાવાળાની રૂબરૂમાં સહી કરીને હયાતિની ખરાઈ કરાવવાની રહે છે, જે પેન્શનરો દ્વારા જુલાઈ માસ સુધીમાં હયાતિની ખરાઈ કરાવવામાં ન આવે અથવા હયાતિની ખરાઈ કરાવેલ હોય પણ તેનું ફોર્મ બેન્ક દ્વારા તિજોરીમાં મોકલવામાં ન આવે તો તેવા પેન્શનરનું માહે ઓગષ્ટ-૨૦૨૩ થી પેન્શનનું ચૂકવણું બંધ કરવામાં આવશે.
વધુમાં, પેન્શનરો તા.૩૧/૦૭/૨૦૨૩ બાદ પણ સંબંધિત બેન્ક શાખામાં જઈને હયાતિની ખરાઈ કરાવી શકે છે. તા.૩૧/૦૭/૨૦૨૩ બાદ તિજોરી કચેરી ખાતે હયાતિની ખરાઈ કરાવવી ફરજીયાત નથી,
બેન્ક શાખા ઉપરાંત પેન્શનર પોતાની હયાતિની ખરાઈ જીવનપ્રમાણ પોર્ટલ પરથી અથવા તેની મોબાઈલ એપ્લિકેશન પરથી ઓનલાઈન ખરાઈ કરાવી શકે છે. જે અંગેની માર્ગદર્શિકા વેબસાઈટ www.treasurykutch.blogspot.com પર મૂકવામાં આવેલ છે.

આ ઉપરાંત, પેન્શનરો ટપાલી / ગ્રામીણ ડાક સેવક મારફતે ઘર આંગણે જીવનપ્રમાણ પોર્ટલ પર હયાતિની ખરાઈ કરાવી શકે તે માટે ટપાલ વિભાગ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ માટે નજીકની પોસ્ટ ઓફિસ / ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો સંપર્ક કરવો અથવા Post Info નામની મોબાઈલ એપ્લિકેશન પર નોંધણી કરાવી શકે છે. જે માટે નિયત થયેલ ફી રૂ.૭૦/– (સિત્તેર) ચૂકવવાની રહે છે. પેન્શન શરૂ કરાવતી વખતે જે શાખા અત્રેનાં રેકોર્ડમાં નોંધાવવામાં આવેલ હશે તે બેન્કની શાખામાં હયાતિની ખરાઈનું ફોર્મ મોકલવામાં આવેલ છે. પેન્શનર દ્વારા પ્રથમ પેન્શન મળ્યા બાદ તિજોરી કચેરીને જાણ કર્યા વગર બારોબાર શાખા બદલાવવામાં આવેલ હોયતો તે અંગેની જવાબદારી તિજોરી કચેરીની રહેશે નહિં તેવું જિલ્લા તિજોરી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.