હાલમાં ચાલી રહેતા ભેજવાળા વાતાવરણમાં આંખના રોગનો વધુ ફેલાવો જોવા મળી રહ્યો છે
copy image
નખત્રાણામાં આવેલ ગામોમાં આંખના રોગના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. નેત્રા ઉપરાંત રસલિયા, ખોંભડી, રામપર, ખીરસરા, લક્ષ્મીપર, કોટડા સહિત આજુબાજુમાં અંખિયા મિલાકે રોગે પોતાનો સકંજો કસ્યો છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર નેત્રા પંથકમાં અખિયાં મિલાકેનાં નામથી ઓળખાતા આ રોગના આંખના દર્દીઓની સંખ્યા અચાનક વધી ગયેલ છે. પરિણામે દવાખાનાંઓમાં આવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. માત્ર નજરથી નજર મેળવવાનાં કારણે થતા આ રોગમાં તકેદારી રાખવા તબીબોની સલાહ છે.
મેડિકલ સ્ટોર્સમાં આંખનાં ટીપાં અને ટયુબના વેચાણમાં જોરદાર વધારો થયો છે. નેત્રાના તબીબો દ્વારા મળેલ માહિતી અનુસાર નેત્રામાં કન્જકિટવાઈટિસના રોજના 35 થી 40 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ચારથી પાંચ દિવસની પીડા બાદ દર્દીને આંખના દર્દમાં રાહત મળે છે. ઠંડાં વાતાવરણમાં આ રોગ ઝડપથી ફેલાય છે. પાછલા દિવસો દરમીયાન વરસાદી માહોલમાં ટાઢોડું છવાતાં દર્દીઓની સંખ્યા વધી છે. તડકો શરૂ થાય તો આંખના આ દર્દમાં થોડી રાહત થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
આંખના દર્દ ના કારણે ચશ્માંની માંગ વધી રહી છે. ત્યારે 30થી 40 રૂપિયાની રેન્જના ચશ્માંની માંગમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ડોક્ટરો દ્વારા અલટી માહિતી અનુસાર આ રોગથી ડરવાની જરૂર નથી. વારંવાર હાથથી આંખને સ્પર્શ કરવું નહીં, સફાઈ રાખવી, ડોકટરની સલાહ મુજબ સારવાર કરવાથી રોગ જલ્દી કાબૂમાં આવે છે. ગામમાં લગભગ પચાસ ટકા ઘરોમાં આંખના રોગના દર્દી જોવા મળી રહ્યા છે.