ગાંધીધામ નજીક આવેલ ખાનગી સી.એફ.એસ.માં લાકડાની આડમાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
copy image
ગાંધીધામની નજીક આવેલા એક ખાનગી કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં આવેલા કન્ટેનરોમાં વિદેશથી આયાત થયેલા લાકડાઓમાં ડ્રગ્સ સંતાડીને લાવેલ હોવાની શંકાના આધારે તપાસ એજન્સીઓએ કન્ટેનરો રોકાવ્યાં હતાં. એફ.એસ.એલ. બોલાવી તે કેવા પ્રકારનું ડ્રગ્સ છે તેની તપાસ કરવામાં આવી છે. અહીંના એક ખાનગી સી.એફ.એસ.માં વિદેશથી આવેલ કન્ટેનરોમાં લાકડાંની આડમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાની બાતમીના આધારે ડી.આર.આઇ.એ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું અંતરંગ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સવારથી આ ખાનગી સી.એફ.એસ.માં તપાસ એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનરો ખોલી તેમાં રહેલાં લાકડાંની તપાસ કરાતાં તેમાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો જેના આધારે એફ.એસ.એલ.ની ટીમને અહીં બોલાવવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. મોડી રાત સુધી વિદેશથી આવેલાં લાકડાંની તપાસની કામગીરી ચાલુ રાખવામા આવી હતી. આ જથ્થો કેટલો છે ? તે કેવા પ્રકારનું ડ્રગ્સ છે તે માટે એફ.એસ.એલ.ના રિપોર્ટ ઉપર આધાર હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલો માલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલી કિંમતનો થાય છે તે દિશામાં પણ વધુ તપાસ કરવામાં આવી છે તેમજ આ ખાનગી સી.એફ.એસ.માં આવેલાં કન્ટેનર કંડલા બંદર કે મુંદરા બંદર પરથી અહીં આવેલ હતાં અને તેની સાથેના અન્ય કન્ટેનર નીકળી ગયા છે કે કેમ ? તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સીની આ કાર્યવાહી બાદ પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી અને માલવાહક વાહનોની તપાસ કરવાના ઓર્ડર પણ જારી કરાયા હોવાનું પણ સામે આવ્યું હતું.