ભુજ શહેરમાં જૂના ઝઘડાનું સમાધાન કરવા જતાં ફરી બે જૂથ બાખડયા : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

થોડા સમય અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાબતે ગત દિવસે ભુજમાં બે જૂથ ભેગા થતાં ફરી લોખંડના પાઈપ વડે મારામારી થતાં અસ્થિભંગની ઈજા પહોંચી હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં કુલ મળી સાત સખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગત દિવસે રાતના અરસામાં ભુજના જૂના રેલવે સ્ટેશન વિસ્તારના રામનગરીમાં જૂના ઝઘડાના સમાધાન મુદ્દે બે જૂથ મળતાં ફરી ઝઘડો થયો હતો જેમાં લોખંડના પાઈપ ઊલળ્યા હતા. આ બાબતે ફરિયાદી મયૂરગર મહેશગર ગોસ્વામીએ આરોપી સલીમ ઉર્ફે ચલ્લો, રજબઅલી બરકતઅલી પઠાણ, ભૂરો ઉર્ફે મોહસીન મમણ અને સોયબ સલીમ ઘાંચી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીને આરોપીઓએ પાઈપ, છરી વડે માર મારી હાથમાં ફ્રેક્ચર અને સાહેદોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે વિરુદ્ધ પક્ષે રજબઅલી બરકતઅલી પઠાણે આરોપી હનીફ કકલ, ઈકો ઉર્ફે ઈકબાલ જુસબ ત્રાયા અને મયૂરગર મહેશગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી સલીમ ઉર્ફે ચલ્લાએ ફોન કરી સમાધાન માટે બોલાવ્યા બાદ ફરિયાદી તથા સાહેદોને લોખંડના પાઈપથી આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસે બંને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.