સુખપર પાસે આવેલ લક્કીવાળી ચાડી નજીક એસટી બસે ગાયના ધણને અડફેટે લેતાં એક ગાયનું મોત : છ ઘાયલ : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
સુખપર પાસે આજે એસટી બસે ગાયના ધણને અડફેટે લેતાં એક ગાયનું મોત થયું હતું, જ્યારે છ ગાય ઘાયલ થતા કુલે રૂા. 74,000ની નુકસાની થયા હોવાને ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ બાબતે સુખપરના પશુપાલક માધુભા હમીરજી જાડેજા દ્વારા ફરિયાદ નોધાવવામાં આવેલ હતી.
નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારના નવેક વાગ્યાના અરસામાં તેમની 23 ગાયને લઇને તેમનો ભત્રીજો લક્કીવાળી ચાડી પાછળ આવેલા તેઓના વાડામાં બાંધવા માટે લઇ જઈ રહ્યો હતો, ત્યારે આ ધણ ઉપર એસટી બસના ચાલક પીયૂષભાઇ પટેલે બેદરકારીથી બસ ચલાવી ગાયોને અડફેટે લેતાં 50,000ની એક ગાયનું મોત નીપજયું હતું તેમજ છ ગાયને ઘાયલ કરી 24,000ની એમ કુલે રૂા. 74,000ની નુકસાની કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. બીજી તરફ ગાયને નડેલા આ અકસ્માતને લઇને ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની સંયુક્ત ટીમના ગૌભક્તોની બનેલી ગૌસેવા સમિતિ તથા સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ સંચાલિત પશુચિકિત્સાલય કરુણાધામના પશુચિકિત્સકો સાથે એમના સ્વયંસેવકો અને સરકારી પશુચિકિત્સાલયની કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી અને ઘાયલ ગાયોની સારવાર કરવામાં આવી હતી તેમજ મૃત્યુ પામેલી ગાયને સમાધિ આપી હોવાનું જાણવા મળ્યું છે.