વડોદરા ખાતે યોજાયેલ ગુજરાત રાજ્યના હસ્તકલાને લગતાં રાજ્ય પારિતોષિકનો વિતરણ કાર્યક્રમમાં કચ્છના 18 કારીગરને રાજ્ય કલા પારિતોષિક અર્પણ થયાં
વડોદરા ખાતે યોજાયેલ ગુજરાત રાજ્યના હસ્તકલાને લગતાં રાજ્ય પારિતોષિકનો વિતરણ કાર્યક્રમમાં રાજ્યના 44 કલાકારોને આ સન્માન અર્પણ થયું હતું. ચાર વર્ષના આ પુરસ્કારોમાં કચ્છના 18 કલાકારોનો સમાવેશ થાય છે. ગુજરાતના ભવ્ય અને ભાતીગળ એવા હાથસાળ-હસ્તકલાના વારસાને જીવંત રાખીને આ કલાક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનારાઓને વર્ષ 2019થી 2022 માટેના આ રાજ્યકક્ષાના કલા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતાં. રાજ્યના ઉદ્યોગ, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, મીઠાં ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, વડોદરાના મેયર નીલેશભાઇ રાઠોડ તેમજ ધારાસભ્યોના હસ્તે આ અર્પણવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના ઇન્ડેક્સ-સીના નિયામક ડી.એમ. શુકલા, હાથસાળ-હસ્તકલા નિગમના એમ.ડી. લલિત નારાયણસિંઘ કુટિર-ગ્રામોદ્યોગ કમિશનર તથા સચિવ પ્રવીણ કે. સોલંકીની ઉપસ્થિતી રહી હતી.