હવાલા કૌભાંડમાં કાસેઝના ઉદ્યોગકારની ઈ.ડી. દ્વારા કરાઈ ધરપકડ

hathkadi

copy image

  કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે સિલિન્ડર એક્સપોર્ટ કરતા એકમના  માલિકે આચરેલા હવાલા કાંડમાં કંપનીના ડાયરેક્ટરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા અટક કરવામાં આવેલ છે. આ બાબતે મળતી માહિતી અનુસાર મુજબ કંડલા સેઝના ઉદ્યોગકાર રામ ઈસરાણીની ઈ.ડી. દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલ હતી. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ તેના રિમાંડ પણ મેળવાયા હતા. રિમાંડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરવામાં આવેલ હતા. આરોપી સહિત ચાર ડાયરેક્ટરો દ્વારા કંડલા ઝોનમાં એસોસીએટ હાઈ પ્રેસર સિલિન્ડર પ્રા. લિ. કંપની શરૂ કરવામાં આવેલ હતી. આ માટે મુંબઈ ખાતે આવેલ  ભાયખલાની યુનિયન બેન્કની શાખામાંથી લોન લીધેલ હતી.  આ લોનના પૈસા ન ભરી શકવાના કારણે બેન્ક દ્વારા મિલકતો ટાંચમાં લઈને હરાજી કરવામાં આવેલ હતી. ઝોનમાંથી આરોપીએ વિવિધ દેશોમાં સિલિન્ડર એક્સપોર્ટ કર્યા હતા, પરંતુ તેના પૈસા હજુ સુધી આવ્યા નહીં. જેથી આરોપી રામ ઈસરાણીએ ખુદ રૂબરૂ જઈને વિદેશી હૂંડિયામણ મેળવી લીધું હતું. આ વિદેશી હૂંડિયામણ કાસેઝમાં જમા કરાવવાના બદલે દુબઈ સહિતના તેમના અંગત ખાતામાં જમા કરાવી દેવામાં આવેલ હતું. આ મામલે સી.બી.આઈ. દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઈ.ડી.એ મની લોન્ડારિંગ એકટ તળે ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ દરમ્યાન પ્રાપ્ત થતી વધુ વીગતો પ્રમાણે આરોપી દ્વારા ઝોનમાં ઈમ્પોર્ટ ડયુટી ફ્રી યોજનાનો લાભ લઈને અનેક વસ્તુઓ આયાત કરવામાં આવી છે. નિકાસનું વિદેશી હૂંડિયામણ કંડલા ઝોનમાં જમા નથી થયું, તો એકસપોર્ટ જ ન ગણી શકાય. જેથી આ શખ્સ પાસેથી ઈમ્પોર્ટ ડયુટીની વસૂલાત પણ કરવી પડે. ઈમ્પોર્ટ ડયુટીનો લાભ લઈને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડવામાં આવેલ છે.