અંજારમાં યુવાનનું અપહરણ કરનાર પાંચ શખ્સોને પોલીસે  23,30,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

 

અંજારમાં નાસ્તો કરવા રોકાયેલ ત્રણ મિત્ર પૈકી એકનું અપહરણ કરવાના કેસમાં પોલીસે પાંચ આરોપીને ધરપકડ કરી તેમજ ત્રણ વાહન, મોબાઇલ વગેરે કબ્જે કર્યા હતા. અંજાર ખાતે આવેલ સોરઠિયા નાકા નજીક પરાક્રમસિંહ અને તેના બે મિત્ર નાસ્તો કરવા માટે રોકાયા હતા, તે દરમીયાન આદિપુરનો જયદીપસિંહ બળભદ્રસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સોએ પરાક્રમનું અપહરણ કરી તેને લઇ ગયેલ હતા. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી ત્યાર બાદ પોલીસે ચોટિલા સુધી પીછો કરી જયદીપસિંહ તથા બોટાદના મહાવીર ભીખુ ખાચર, ભગીરથ બાબુ ખાચર, કુલદીપ ભાભલુ ખાચર તથા શિવરાજ ઉર્ફે શિવકુ જેતુ ખાચરને ઝડપી પાડયા હતા. આ શખ્સો પાસેથી પરાક્રમસિંહને મુક્ત કરવવામાં આવ્યો હતો તથા પકડાયેલા શખ્સો પાસેથી ત્રણ વાહન તથા મોબાઇલ એમ કુલ રૂા. 23,30,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બોટાદના કુલદીપ નામના શખ્સના પરાક્રમસિંહ પાસે પૈસા લેવાના નીકળતા હતા, જે તેને ન મળતાં તેણે આદિપુરના જયદીપસિંહનો સંપર્ક કરવામાં આવેલ હતો, બાદમાં આ શખ્સોએ પરાક્રમનું અપહરણ કર્યું હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.