પાવરપટ્ટીમાં દોડતાં ઓવર લોડ વાહનોના કારણે રોડ, પાપડી, પૂલને નુક્સાન થઈ રહ્યું હોવાથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી

 

ખાવડામાં નિર્માણ પામતા સોલર પ્લાન્ટ માટે આવશ્યક રોમટિરિયલનું વહન કરતાં ભારેખમ વાહનો પાવર પટ્ટી વિસ્તારના રાજ્ય ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. મોટા ભાગના વાહનો ઓવરલોડ દોડતા વાહનોને કારણે માર્ગ, કોઝવે, પૂલને નુક્સાન થવાની સાથે નાના-મોટા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. દરરોજ હજારો મેટ્રિક ટન રેતી, કાકરી, ક્પ્ચી, મોરમ સહિતનો ભરીને નખત્રાણા, ભુજ વાયા નિરોણા માર્ગ પર  ઓવર લોડ વાહનો દોડી રહ્યા છે જેના પરીણામે રસ્તા પર આવતી પાપડી તેમજ  પુલને નુકસાન થાય છે. વાહનોમાં તાલપત્રી બંધાતી ન હોવાના કારણે  કાકરી, રેતી સહિતનો સામાન રસ્તા પર ઢોળાય છે જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સતત અકસ્માતનો ભય બની રહે છે. વાહનો વહેલી સવારે તેમજ રાત્રિના સમયે દોડતા હોવાથી રોયલ્ટી સહિતની ચોરી થતી હોવાની આશંકા સ્થાનિક લોકો દ્વારા  વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કડક કામગીરી કરવામા આવે તેવી લોક દ્વારા માંગ ઉઠી છે.